મુખ્ય હાઇલાઇટ્સ:
- વિરમગામમાં વરસાદ બંધ થયાના ૧૩ દિવસ પછી પણ અનેક વિસ્તારોમાં કમર અને ઢીંચણસમા પાણી ભરાયેલા.
- ગોળપીઠા બજાર અને સુપર માર્કેટમાં વેપારીઓના ધંધા-રોજગાર ઠપ, ગંદકી અને દુર્ગંધથી રોગચાળાનો ભય.
- એસટી બસ સ્ટેન્ડમાં પાણી ભરાતાં બસ વ્યવહાર બહાર ટ્રાફિક વચ્ચે ચલાવવાની નોબત.
- ગટર અને કેનાલની નબળી કામગીરી તથા ચોમાસા પહેલાની નિષ્ક્રિયતા સામે શહેરીજનોનો ભારે રોષ.
૧૩ દિવસ બાદ પણ શહેરમાં પાણી ભરાયેલા: જનજીવન અને શિક્ષણ પ્રભાવિત
અમદાવાદ જિલ્લાના મહત્વના તાલુકા મથક વિરમગામમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી. વરસાદ વિરામ લીધાના ૧૩-૧૩ દિવસ વિતી ગયા હોવા છતાં શહેરના અનેક રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ, સુપર માર્કેટ, ગોળપીઠા બજાર, એસટી બસ ડેપો, કોર્ટ સંકુલ, નગરપાલિકા કચેરી સામેનો ભાગ, આઈટીઆઈ અને પંચમુખી હનુમાનજી ચોકડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. કુંવરબા સોસાયટી સહિતના વિસ્તારોમાં લોકોને ઢીંચણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અને લોકોના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી છે.
વેપાર-ધંધા ઠપ અને મચ્છરના ઉપદ્રવથી રોગચાળાની દહેશત
પાણીના ભરાવાના કારણે વિરમગામના ગોળપીઠા બજાર તથા સુપર માર્કેટમાં અનાજ, કરિયાણા અને તેલના જથ્થાબંધ વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પાણી સુકાવાને બદલે કીચડ, ગંદકી અને દુર્ગંધમાં ફેરવાઈ જતાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે, જેનાથી સમગ્ર શહેરમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. વેપારીઓ અને સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી સફાઈ કરાવવાની માગ કરવામાં આવી રહી છે.
બસ સ્ટેન્ડમાં જળભરાવથી વાહન વ્યવહાર અને ટ્રાફિકની સમસ્યા વકરી
શહેરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ રહેતાં મુસાફરો, વિદ્યાર્થીઓ અને એસટી કર્મચારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આધુનિક સેન્સર ધરાવતી બીએસ-૬ બસો પાણીમાંથી ચલાવવી હિતાવહ ન હોવાથી તમામ બસોનું સંચાલન બસ સ્ટેન્ડ બહાર મુખ્ય રોડ પરથી કરવું પડી રહ્યું છે, જેને કારણે છેલ્લા દસ દિવસથી મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાઈ છે.
પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સામે નાગરિકોનો વેધક સવાલ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષો જૂની પહોળી અને ઊંડી વરસાદી ગટરો પૂરીને તેની જગ્યાએ માત્ર ત્રણ ફૂટની બોક્સ કલવર્ટ કેનાલ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત પાણીના કુદરતી નિકાલના માર્ગો પર થયેલા દબાણો દૂર ન કરાતાં આજે સ્થિતિ વધુ વિકટ બની છે. લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યાપી ગયો છે અને નાગરિકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે ચોમાસા પહેલાં કરવાની જરૂરી કામગીરી માટે તંત્ર કેમ ઊંઘતું રહ્યું અને જળબંબાકાર થયા પછી જ કેમ જાગ્યું.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
