મુખ્ય હાઇલાઇટ્સ:
- દર્દી સ્વ. રાધીકાબેન જોશીના શંકાસ્પદ મૃત્યુ કેસમાં મેડિકલ કમિટીના ‘બોગસ ક્લીન ચિટ રિપોર્ટ’ ને કલેક્ટરે ફગાવ્યો.
- કેસની તટસ્થ તપાસ માટે નવી ‘મેડિકલ નેગ્લિજન્સ કમિટી’ ગઠિત કરવાનો ઐતિહાસિક આદેશ.
- આરોપી ડો. નિસર્ગ શાહ સહિતના તબીબો વિદેશ ભાગી ન જાય તે માટે ‘લુક આઉટ સરક્યુલર’ જાહેર કરવા આદેશ.
- અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (એડીએમ) દ્વારા પોલીસ અધિક્ષક (એસપી) ભાવનગરને આરોપીઓના પાસપોર્ટ સીઝ કરવા કડક સૂચના.
ડોક્ટરોની ગુનાહિત બેદરકારી કેસમાં વહીવટી તંત્રનો કાનૂની સિકંજો
ભાવનગર શહેરની ચર્ચિત બજરંગદાસ હોસ્પિટલ ખાતે તબીબોની ઘોર અને ગુનાહિત બેદરકારીના કારણે દર્દી સ્વ. રાધીકાબેન હરીતભાઈ જોશીના નીપજેલા શંકાસ્પદ મૃત્યુ કેસમાં વહીવટી તંત્ર દ્વારા કાનૂની સિકંજો અત્યંત મજબૂત કરવામાં આવ્યો છે. કેસની ગંભીરતાને ધ્યાને લઈ, આરોપી તબીબો કાનૂની કાર્યવાહીથી બચવા અને તપાસમાંથી છટકી જવા માટે ભારત દેશ છોડીને વિદેશ ભાગી ન જાય તે માટે ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (એડીએમ) દ્વારા ભાવનગરના પોલીસ અધિક્ષક (એસપી) ને તાત્કાલિક ‘લુક આઉટ સરક્યુલર’ (એલઓસી) જાહેર કરવા અને આરોપી તબીબોના પાસપોર્ટ સીઝ કરવા કડક હુકમ કરવામાં આવ્યો છે.
૧૦ મહિનાની લડત બાદ તબીબોને બચાવતા ‘સેટિંગ રિપોર્ટ’નો પર્દાફાશ
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વ. રાધીકાબેન એકદમ તંદુરસ્ત સ્થિતિમાં હોસ્પિટલમાં માત્ર કમરના દુખાવાની સારવાર અર્થે દાખલ થયા હતા. જ્યાં ઓપરેશન દરમિયાન ડો. નિસર્ગ શાહ સહિતના તબીબોની ગંભીર લાપરવાહીના કારણે તેમનું કમનસીબ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ સર ટી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તબીબોને બચાવવા માટે આંતરિક સેટિંગ કરી ‘મેડિકલ નેગ્લિજન્સ કમિટી’ પાસે બોગસ ક્લીન ચિટ રિપોર્ટ તૈયાર કરાવી લેવાયાના ગંભીર આરોપો ઊઠ્યા હતા. પીડિત પરિવારે ન્યાય મેળવવા માટે સળંગ ૧૦ મહિના સુધી સરકારી કચેરીઓના ધક્કા ખાધા હતા.
કલેક્ટરશ્રીનો ઐતિહાસિક નિર્ણય અને એડીએમનો કડક પત્ર
૧૦ મહિના સુધી ચાલેલી કાયદાકીય લડત અને પુરાવાઓ સાથે થયેલી પીડિત પરિવારના કાયદાકીય સલાહકારની ધડાકાબાર રજૂઆતોના પગલે ભાવનગર કલેક્ટરશ્રી દ્વારા તાજેતરમાં અગાઉનો સેટિંગ રિપોર્ટ રદ્દબાતલ ઠેરવીને સમગ્ર કેસની તટસ્થ તપાસ માટે ‘નવી મેડિકલ નેગ્લિજન્સ કમિટી’ ગઠિત કરવાનો ઐતિહાસિક આદેશ કરાયો છે. નવી કમિટીની રચના થતાં જ કાનૂની ગાળિયાથી બચવા આરોપી તબીબો વિદેશ ભાગી જવાની પૂરેપૂરી આશંકા ઊભી થઈ છે. જેને ધ્યાને રાખી એડીએમ કચેરી દ્વારા ભાવનગર એસપીને સીધી સૂચના આપીને આરોપી તબીબો સામે દેશવ્યાપી એલઓસી જાહેર કરવા અને તેમના પાસપોર્ટ ત્વરિત કબ્જે કરવા નિયમાનુસારની કાર્યવાહી કરવા જણાવાયું છે.
ભાવનગર પોલીસ અને નવી મેડિકલ કમિટીની કાર્યવાહી પર સૌની નજર
કલેક્ટર અને એડીએમ કચેરીના આ કડક વલણ બાદ હવે ભાવનગર પોલીસ આરોપી તબીબોના પાસપોર્ટ ક્યારે સીઝ કરે છે અને નવી મેડિકલ કમિટી પોતાનો તટસ્થ રિપોર્ટ આપીને ક્યારે ગુનો નોંધે છે, તેના પર સમગ્ર ભાવનગર શહેર અને હેરાન થતા અન્ય હજારો દર્દીઓ તેમજ પીડિત પરિવારની આશા મંડાયેલી છે.
અહેવાલ :કિશોરભાઈ ખુમાણ પત્રકાર સાવરકુંડલા
