મુખ્ય હાઇલાઇટ્સ:
- બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી)માં ભારે ગંદકી, કાદવ-કીચડ અને મચ્છરોનો ભારે ઉપદ્રવ.
- ચોમાસાના પાણી ઓસર્યા બાદ પણ કચરાનો નિકાલ ન થતાં કેસ બારી અને દર્દીઓના બેસવાના સ્થળે અસ્વચ્છતા.
- સારવાર અર્થે આવતા ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓ રોગમુક્ત થવાને બદલે વધુ બીમાર પડે તેવી ભીતિ.
- કેવળ પ્રચાર કરવાને બદલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ કડક પગલાં ભરે તેવી સ્થાનિકોની માંગ.
બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અસ્વચ્છતાનું સામ્રાજ્ય
અમદાવાદ જિલ્લાના બાવળા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે મહત્વપૂર્ણ ગણાતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી)માં હાલ દયનીય સ્થિતિ સર્જાઈ છે. બાવળામાં ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી ઓસરી જતાં જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ બની રહ્યું છે, પરંતુ સ્થાનિક સરકારી હોસ્પિટલના પરિસરમાં ચારેય તરફ ગંદકી, કાદવ-કીચડ અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો અને દર્દીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.
કેસ બારીથી લઈને વેઇટિંગ એરિયા સુધી દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ
બાવળા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓ અહીં સારવાર અર્થે આવે છે. જોકે, હોસ્પિટલની કેસ બારીથી લઈને દર્દીઓના બેસવાના તથા ઊભા રહેવાના સ્થળો સુધી ચારેય તરફ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ ફેલાયેલો છે. અહીં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાંઓને અસહ્ય દુર્ગંધ વચ્ચે કાદવમાં ઊભા રહેવા મજબૂર બનવું પડે છે, જેના કારણે દર્દીઓ રોગમુક્ત થવાને બદલે વધુ બીમાર પડે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.
માત્ર પ્રચાર નહીં, સ્થળ તપાસ કરીને કડક કામગીરી કરવા માંગ
આરોગ્ય ધામમાં જ ફેલાયેલી આ અસ્વચ્છતા સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, સરકારી કચેરીઓ અને દવાખાનાઓમાં જ જો આ પ્રકારની ગંદકી હોય તો પછી પ્રજાને સ્વચ્છતાના પાઠ ભણાવવા કેટલા અંશે વ્યાજબી છે? માત્ર સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરવાથી સ્વચ્છતા આવતી નથી, પરંતુ તેના માટે જવાબદાર અધિકારીઓએ રૂબરૂ સ્થળ તપાસ કરીને નક્કર કામગીરી કરવી જરૂરી છે.
ઉચ્ચ અધિકારીઓના મૌન સામે જનતામાં આક્રોશ
જો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લે તો તેમને અહીંની વાસ્તવિક અને કફોડી સ્થિતિની ખાતરી થાય તેમ છે. તંત્રની આ ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહેલા નાગરિકોએ માગ કરી છે કે ઉચ્ચ કક્ષાએથી આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને હોસ્પિટલમાં સત્વરે સફાઈ કામગીરી કરાવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
