મુખ્ય હાઇલાઇટ્સ:
- મોટી સફળતા: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સેડલા ગામે સ્મશાન નજીકથી દારૂનો જથ્થો ઝડપાયો.
- ભારે મુદ્દામાલ: વિદેશી દારૂની ૪,૪૫૨ બોટલ/ટીન અને મોટરસાયકલ મળી કુલ રૂ. ૩૫.૩૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
- પોલીસ કાર્યવાહી: બાતમીના આધારે બજાણા પોલીસની ટીમે દરોડો પાડી નેટવર્કનો કર્યો પર્દાફાશ.
- બુટલેગરો સામે ગુનો: ૪ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ.
સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા સેડલા ગામે બજાણા પોલીસે ગેરકાયદે વિદેશી દારૂના કારોબાર સામે લાલ આંખ કરી છે. પોલીસે સ્મશાન નજીક ઓચિંતો દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો તેમજ મોટરસાયકલ મળી કુલ રૂ. ૩૫,૩૫,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે ચાર બુટલેગરો સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
સ્મશાન નજીકથી વિદેશી દારૂની ૪,૪૫૨ બોટલો ઝડપાઈ
પોલીસ વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક એન. કે. પટેલની દેખરેખમાં બજાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. વાઘેલા તથા તેમની ટીમે ખાનગી બાતમીના આધારે આ સઘન કાર્યવાહી હાથ ધરી હતી. સેડલા ગામના સ્મશાન નજીક દરોડો પાડતા સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪,૪૫૨ બોટલ/ટીન (કિંમત રૂ. ૫.૩૫ લાખ) તેમજ રૂ. ૫૦ હજારની કિંમતની સુઝુકી બર્ગમેન મોટરસાયકલ સહિત કુલ રૂ. ૩૫,૩૫,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ચાર બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી
આ ગેરકાયદેસર દારૂના નેટવર્કમાં સંડોવાયેલા ચાર બુટલેગરો સામે પોલીસે સકંજો કસ્યો છે. જેમાં બિસ્મિલ્લાખાન ઉર્ફે બિસુ મલેક, ઈમરાનખાન ઉર્ફે ઓબામા મલેક (રહે. પીપળી) તેમજ શાહરૂખખાન મલેક અને અશરફ ઉર્ફે ભુરો સિપાઈ (રહે. સેડલા) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બજાણા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડવા અને દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
