મુખ્ય હાઇલાઇટ્સ:
- હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન-ધંધુકા) દ્વારા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરાયું.
- પંઢરપુર ઇસ્કોનના વરિષ્ઠ પ.પૂ. શ્રી લોકનાથ મહારાજ સ્વામી દ્વારા સંકલિત રાધારાણીના ૧૦૦ નામના સ્મરણનો વિશેષ ઓડિયો-વિઝ્યુઅલ શો.
- રાધારાણીના ૧૦૦ નામ લખનારા ૧૨ સત્સંગી સ્પર્ધકોનું જપમાળા થેલી અર્પણ કરી મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું.
- ભગવદ્ ગીતાના કથા પ્રવચન બાદ ભાવિકો માટે મિષ્ઠાન મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ઇસ્કોન દ્વારા ભક્તિમય ઓડિયો-વિઝ્યુઅલ કાર્યક્રમ યોજાયો
ધંધુકા શહેર સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) માર્કેટ યાર્ડ ખાતે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર, ઇસ્કોન-ધંધુકા દ્વારા એક વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન સંસ્થાપક આચાર્યશ્રી પરમ પૂજ્ય શ્રીલ પ્રભુપાદના સીનિયર ડિવોટી તેમજ પંઢરપુર ઇસ્કોન (મહારાષ્ટ્ર) ના વરિષ્ઠ સન્યાસી પ.પૂ. શ્રી લોકનાથ મહારાજ સ્વામી દ્વારા સંકલિત “શ્રીમતી રાધા રાણીના ૧૦૦ નામનું આધ્યાત્મિક મધુર સ્મરણ” શીર્ષક હેઠળ વિશેષ ઓડિયો-વિઝ્યુઅલ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધંધુકા અને આસપાસના વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં હરિભક્તો અને સત્સંગીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
ભગવદ્ ગીતા કથા અને રાધારાણીના ૧૦૦ નામ લખનાર સ્પર્ધકોનું સન્માન
કાર્યક્રમની શરૂઆત કેન્દ્રના સંયોજક શ્રીમાન નાથ બલભદ્ર દાસ દ્વારા ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના ૧૩મા શ્લોક પર આધારિત પ્રેરણાદાયી કથા પ્રવચનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમતી રાધારાણીના ૧૦૦ નામ સંપૂર્ણ નિષ્ઠાથી લખીને નોંધનારા ૧૨ જેટલા ઉત્સાહી સત્સંગી સ્પર્ધકોને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના અમૃત હસ્તે આ તમામ ૧૨ સ્પર્ધકોને પવિત્ર જપમાળા થેલી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મિષ્ઠાન મહાપ્રસાદ સાથે ભક્તિમય માહોલમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ
હરે કૃષ્ણ સત્સંગ સંચાલન સમિતિ (ઇસ્કોન-ધંધુકા) ના નેજા હેઠળ યોજાયેલા આ સત્સંગ મહોત્સવમાં પ્રસાદ દાતા તરીકે કેન્દ્રના વરિષ્ઠ સત્સંગી શ્રીમતી કાન્તા માતાજી વાળા પરિવાર તરફથી ભગવાનના ભોગ સ્વરૂપે સ્વાદિષ્ટ મિષ્ઠાન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંચાલન સમિતિના સભ્યોએ ભારે જહમત ઉઠાવી હતી.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
