મુખ્ય હાઇલાઇટ્સ:
- ધારી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના વર્ષ ૨૦૦૪ ના ગંભીર ક્રિમિનલ કેસમાં ૨૨ વર્ષથી ફરાર ૪ આરોપીઓ ઝડપાયા.
- અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે સતત ૪ મહિનાની ઉંડાણપૂર્વકની તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઉકેલ્યો ભેદ.
- મુખ્ય આરોપીઓ રાજકોટ, અમદાવાદ અને કેવડિયા થઈ છોટા ઉદેપુરના વાસણા ખાતે સ્થાયી થયા હતા.
- એક આરોપી નીજાનંદ આશ્રમમાં સ્વામી નિજાનંદગીરી બની ગયો હતો, જ્યારે બીજો આરોપી વેજલપુરમાં પૂજારીનું કામ કરતો હતો.
- છોટા ઉદેપુરના વાસણા આશ્રમમાંથી ૩ આરોપીઓ અને અમદાવાદના વેજલપુરથી ૧ આરોપીની ધરપકડ કરી ધારી પોલીસને સોંપાયા.
૨૨ વર્ષ જૂના ફોજદારી કેસમાં અમરેલી પોલીસની મોટી સફળતા
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા નાસતા ફરતા આરોપીઓ તથા કોર્ટના ટાર્ગેટેડ કેસોના આરોપીઓને પકડવા આપેલી ખાસ સૂચનાના આધારે અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે મોટી સફળતા મેળવી છે. અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અને પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એન.જી. સાપરાના સુપરવિઝન હેઠળ પોલીસે ધારી કોર્ટના ૨૨ વર્ષ જૂના ફોજદારી કેસ નંબર ૨૩૯/૨૦૦૪ ના નાસતા ફરતા ૪ આરોપીઓને શોધી કાઢીને કાયદેસરની અટકાયત કરી છે.
તકનીકી પોર્ટલ નિષ્ફળ જતાં હ્યુમન ઇન્ટેલિજન્સથી મળ્યો સફળ સુરાગ
પેરોલ ફર્લો સ્ક્વોડે છેલ્લા ચાર માસથી આ કેસની તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં મજકૂર આરોપીઓના મૂળ રહેઠાણ દલખાણીયા અને બગસરા ખાતે તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ ઇ-ગુજકોપ, આઈસીજેએસ અને ગાંડીવ જેવા પોલીસ પોર્ટલ પર સર્ચ કરવા છતાં કોઈ ક્લૂ મળ્યો નહોતો. દરમિયાન, બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે મુખ્ય આરોપી હર્ષદભાઈ વ્યાસની દીકરી રાજકોટ ખાતે સાસરે છે. આ માહિતીના આધારે રાજકોટમાં હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે આરોપીઓ ધારીથી રાજકોટ, ત્યારબાદ અમદાવાદ, કેવડિયા અને છેલ્લે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસણા ગામે શિફ્ટ થયા હતા.
આશ્રમના સાધુ અને મંદિરના પૂજારી બનેલા આરોપીઓ પોલીસ ગિરફ્તમાં
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપી નીરજ વ્યાસ હાલમાં ‘સ્વામી નિજાનંદગીરી’ બનીને વાસણા ખાતે નીજાનંદ આશ્રમ ચલાવતો હતો, જ્યાં તેના પિતા હર્ષદભાઈ અને ભાઈ સમીર પણ સાથે રહેતા હતા. જ્યારે ચોથો આરોપી મુકેશભાઈ વ્યાસ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહીને મંદિરમાં સેવાપૂજાનું કામ કરતો હતો. તમામ વિગતોની ખરાઈ કર્યા બાદ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ પોલીસે વાસણા આશ્રમ પર દરોડો પાડી ૩ આરોપીઓને અને અમદાવાદ વેજલપુરથી ૧ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે ધારી પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
- હર્ષદભાઈ શામળજીભાઈ ઉર્ફે શામળભાઈ વ્યાસ (ઉંમર વર્ષ ૭૬, નિવૃત્ત, રહેવાસી વાસણા, સંખેડા, છોટા ઉદેપુર)
- સમીરભાઈ હર્ષદભાઈ વ્યાસ (ઉંમર વર્ષ ૫૦, સ્ટોક માર્કેટ ટ્રેડિંગ, રહેવાસી વાસણા, સંખેડા, છોટા ઉદેપુર)
- નીરજભાઈ હર્ષદભાઈ વ્યાસ (હાલ સ્વામી નિજાનંદગીરી) (ઉંમર વર્ષ ૪૪, સેવાપૂજા, રહેવાસી નીજાનંદ આશ્રમ, વાસણા, સંખેડા, છોટા ઉદેપુર)
- મુકેશભાઈ શામળજીભાઈ ઉર્ફે શામળભાઈ વ્યાસ (ઉંમર વર્ષ ૭૨, સેવાપૂજા, રહેવાસી ગોકુલધામ એપાર્ટમેન્ટ, વેજલપુર, અમદાવાદ)
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
