મુખ્ય હાઇલાઇટ્સ:
- ભાવનગર રેન્જ અને અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તાલુકા પોલીસે હાથ ધર્યું સઘન પેટ્રોલીંગ.
- જાળીયાથી કેરાળા જવાના રસ્તે તૂફાન ગાડીમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો.
- મધ્યપ્રદેશના જોબટ તાલુકાના એક ઇસમની અટકાયત, દારૂ મોકલનાર અન્ય એક શખ્સ વોન્ટેડ જાહેર.
- દારૂની ૪૩૪ બોટલો, કાર અને મોબાઇલ મળીને કુલ રૂ. ૨,૨૯,૨૪૧ નો મુદ્દામાલ જપ્ત.
જાળીયા ગામ નજીક તૂફાન ગાડીના ગુપ્ત ચોરખાનામાંથી દારૂ ઝડપાયો
ભાવનગર રેન્જ આઈજીપી આર.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા આપેલી સખત સૂચનાના આધારે અમરેલી ડિવિઝન પોલીસ એક્શન મોડમાં આવી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.કે. જાડેજાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન એએસઆઈ એમ.ડી. જોશી અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ શીયાળને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે જાળીયાથી કેરાળા ગામ તરફ જવાના રસ્તે ઉભેલી મધ્યપ્રદેશ પાર્સિંગની તૂફાન ગાડીની તલાશી લેતા તેમાંથી ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ગેરકાયદે વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
મધ્યપ્રદેશના ચાલકની અટકાયત, એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો
પોલીસે તૂફાન ગાડીમાંથી બાકેશભાઈ માંગુભાઈ બામનિયા (ઉંમર વર્ષ ૨૭, ધંધો ડ્રાઇવિંગ અને ખેતમજૂરી, રહેવાસી મોટા ઉમર, તાલુકો જોબટ, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ) નામના ઇસમની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછના આધારે દારૂના આ કારોબારમાં સંકળાયેલા અન્ય એક આરોપી વકીલ બાંગડીયાને પકડવાના બાકી આરોપી તરીકે દર્શાવીને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
રૂ. ૨.૨૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી
પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૭૪,૨૧૪ ની કિંમતની વિદેશી દારૂની કુલ ૪૩૪ બોટલો, રૂ. ૧,૫૦,૦૦૦ ની કિંમતની તૂફાન કાર અને રૂ. ૫,૦૦૦ નો એક મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૨,૨૯,૨૪૧ નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમરેલી તાલુકા પોલીસની આ સફળ કામગીરી બાદ પકડાયેલા આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
