મુખ્ય હાઇલાઇટ્સ:
- “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ અમરેલી સીટી સર્વેલન્સ ટીમે ગુમ થયેલી મિલકત શોધી કાઢી.
- નાગનાથ બસ સ્ટેન્ડ નજીકથી અરજદાર વિપુલભાઈ વિરપરાના ખિસ્સામાંથી પડી ગયેલા હીરા રિકવર કરાયા.
- સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી રૂ. ૩.૫૦ લાખના હીરા શોધી મૂળ માલિકને પરત કરાયા.
- ત્વરિત અને સરાહનીય કામગીરી બદલ અમરેલી સીટી પોલીસ તેમજ કમાન્ડ કંટ્રોલ ટીમની પ્રશંસા.
ગુમ થયેલી મિલકત શોધી પરત સોંપવાની ખાસ ઝુંબેશ
ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર અસારી તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં નાગરિકોની ગુમ થયેલી કે ખોવાયેલી મિલકતો સત્વરે શોધીને મૂળ માલિકને પરત કરવા અને “તેરા તુજકો અર્પણ” પ્રોજેક્ટને સાર્થક કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈની રજૂઆત અનુસાર અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
ખિસ્સામાંથી હીરાનું પેકેટ પડી જતાં અરજદારે કરી હતી જાણ
અમરેલીના નિવાસી અરજદાર વિપુલભાઈ જયંતીભાઈ વિરપરા રિદ્ધિ ડાયમંડ કારખાનેથી હીરા સુરત મોકલવા માટે નાગનાથ બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ખિસ્સામાં તપાસ કરતાં રૂ. ૩,૫૦,૦૦૦ ની કિંમતના હીરા મળી આવ્યા ન હતા. હીરા ખોવાઈ ગયા હોવાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
સીસીટીવી અને સર્વેલન્સ ટીમની મદદથી સફળતા સાંપડી
અરજી મળતાં જ અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. ઝાલાની ક્ષમતા હેઠળ સર્વેલન્સ ટીમ અને કમાન્ડ કંટ્રોલ અમરેલીની ટીમે કવાયત શરૂ કરી હતી. પોલીસે નેટવર્ક, હ્યુમન સોર્સ અને વિસ્તારના સીસીટીવી કેમેરાના સઘન ચેકિંગની મદદથી ગણતરીના સમયમાં રૂ. ૩.૫૦ લાખના કિંમતી હીરા શોધી કાઢ્યા હતા. ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી હીરા મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા. સર્વેલન્સ ટીમની આ સફળ કામગીરીથી “તેરા તુજકો અર્પણ” અભિયાન સાર્થક થયું છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
