મુખ્ય હાઇલાઇટ્સ:
- અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના ‘ફેક નેરેટિવ’ સામે કડક પ્રહારો કરાયા.
- ચૂંટણી પંચ સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે, તેના પર કાલ્પનિક લેખના આધારે આક્ષેપો કરવા અયોગ્ય: શૈલેષભાઈ દાવડા.
- એસ.આઈ.આર. પ્રક્રિયા અને ફોર્મ-૬ ના મૂળ સ્વરૂપ અંગે ચૂંટણી કમિશનરો દ્વારા સર્વસંમતિથી નિર્ણય લવાયો હોવાની સ્પષ્ટતા.
- ઈ.વી.એમ. બાદ હવે ચૂંટણી પંચને નિશાન બનાવી કોંગ્રેસ દ્વારા જનમાનસમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ.
કાલ્પનિક લેખના આધારે બંધારણીય સંસ્થા પર પ્રશ્નો ઊભા કરવાનો પ્રયાસ
અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી વિશેષ પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચની એસ.આઈ.આર. પ્રક્રિયાને લઈને કોંગ્રેસ તથા વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો સામે ભાજપના આગેવાનોએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ સુરજિતસિંહ ગોહિલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી એક કથિત કાલ્પનિક અને તથ્યહીન લેખને આધાર બનાવીને દેશની સર્વોચ્ચ અને સ્વાયત્ત બંધારણીય સંસ્થા એવી ચૂંટણી પંચ સામે બિનપાયાદાર પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી કમિશનરોની સર્વસંમતિ અને ફોર્મ-૬ અંગે ભાજપની સ્પષ્ટતા
પત્રકાર પરિષદમાં ભાજપના આગેવાનોએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરો દ્વારા સંયુક્ત પત્રકાર યાદી મારફતે એસ.આઈ.આર. સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાનું પહેલાથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોર્મ-૬ ના મૂળ સ્વરૂપમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને આ સમગ્ર પ્રક્રિયા અંગે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મહત્વપૂર્ણ માર્ગદર્શક નિર્દેશો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં આંતરિક મતભેદ હોવાના કરાતા દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
ઈ.વી.એમ. બાદ નવું નેરેટિવ: પરાજયના ડરથી ભ્રમ ફેલાવવાનો આક્ષેપ
ભાજપના આગેવાનોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં સતત થતા પરાજયથી બોખલાયેલી કોંગ્રેસ અગાઉ ઈ.વી.એમ. પર સવાલો ઉઠાવતી હતી અને હવે એસ.આઈ.આર. તથા ચૂંટણી પંચને કેન્દ્રમાં રાખીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા સતત નવા મુદ્દા ઊભા કરીને જનમાનસમાં ભ્રમ અને અવિશ્વાસ ફેલાવવાનું કામ થઈ રહ્યું છે, જે માત્ર એક ‘ફેક નેરેટિવ’ સિવાય કંઈ નથી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, મહામંત્રી ભરતભાઈ મેર, જિલ્લા મીડિયા કન્વીનર નિર્મળસિંહ વાઘેલા તથા સહ-ઈન્ચાર્જ વિપુલભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
