મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલી તાલુકાના રાંઢીયા ગામે માત્ર એક જ વર્ષમાં ૨૬૦ જેટલાં લગ્નોની શંકાસ્પદ નોંધણી થતાં ભારે ચકચાર.
- કુરિયર મારફતે અન્ય જિલ્લાઓમાંથી દસ્તાવેજો મંગાવી લગ્ન દીઠ રૂ. ૧૦,૦૦૦ થી વધુની રકમ પડાવ્યાનો આક્ષેપ.
- સ્પેશિયલ મેરેજ એક્ટ અને ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટના કાયદાકીય નિયમો નેવે મૂકી ગેરકાયદે સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા.
- રજિસ્ટ્રાર કચેરીનું રેકોર્ડ તાત્કાલિક જપ્ત કરી જવાબદારો અને એજન્ટો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવા ઉગ્ર માંગ.
રાંઢીયા ગામે કથિત બોગસ મેરેજ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ
અમરેલી તાલુકાના નાના એવા રાંઢીયા ગામે વર્ષ ૨૦૨૪ દરમિયાન સરકારી કાયદાઓ અને નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવીને આચરવામાં આવેલા કથિત ‘મેરેજ રજિસ્ટ્રેશન કૌભાંડ’નો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. જાણીતા સામાજિક કાર્યકર નાથાલાલ વી. સુખડિયા દ્વારા તાલુકા પંચાયત પાસેથી માહિતી અધિકાર હેઠળ મેળવેલ સત્તાવાર આંકડાકીય વિગતો મુજબ, રાંઢીયા જેવા નાના ગ્રામીણ વિસ્તારમાં માત્ર એક જ વર્ષમાં ૨૬૦ જેટલાં લગ્નોની નોંધણી કરવામાં આવી છે. સામાન્ય ગામડાંની સરખામણીએ આ આંકડો અતિ શંકાસ્પદ જણાતાં સમગ્ર પ્રકરણમાં લાખો રૂપિયાના ગેરકાયદે આર્થિક વ્યવહારો અને મોટું ષડયંત્ર હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
કાયદાકીય જોગવાઈઓનો ભંગ અને કુરિયર મારફતે દસ્તાવેજોની હેરાફેરી
સામાજિક કાર્યકરની રજૂઆત અનુસાર, હિન્દુ મેરેજ એક્ટ ૧૯૫૫ અને સ્પેશિયલ મેરેજ એક્ટ ૧૯૫૪ની જોગવાઈઓ મુજબ લગ્ન નોંધણી માટે બંનેમાંથી એક પક્ષકાર સ્થાનિક વિસ્તારમાં ઓછામાં ઓછા ૩૦ દિવસથી વસવાટ કરતો હોવો ફરજિયાત છે. આ ઉપરાંત આંતરધર્મીય લગ્નોની બાબતમાં નિયમ મુજબ જાહેર નોટિસ ચોંટાડવી અને વાલીઓની હાજરી જેવી કાનૂની પ્રક્રિયાઓ અનિવાર્ય હોય છે. પરંતુ રાંઢીયામાં જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને અમરેલી જેવા વિવિધ જિલ્લાઓમાંથી કુરિયર મારફતે અરજદારોના કાગળો મંગાવી, પક્ષકારોની રૂબરૂ હાજરી કે સ્થાનિક તપાસ વગર જ લગ્ન દીઠ રૂ. ૧૦,૦૦૦ થી વધુ વસૂલીને બારોબાર સર્ટિફિકેટો ઈશ્યૂ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
ઉચ્ચ સ્તરીય તપાસ અને ફોજદારી ગુનો નોંધવા ચીમકી
આ ગંભીર મામલે સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી માંગ કરી છે કે રાંઢીયા ગામનું લગ્ન નોંધણી રજિસ્ટર તાત્કાલિક અસરથી સરકારી તંત્ર દ્વારા કબ્જે કરવામાં આવે. સાથોસાથ ગુજરાત લગ્ન અધિનિયમ ૨૦૦૬ ની કલમ-૮ હેઠળ ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ કમિટી નીમીને આર્થિક લાભ ખાતર સામાજિક વ્યવસ્થા જોખમાવે તેવા બોગસ દસ્તાવેજો બનાવનાર મેરેજ રજિસ્ટ્રાર અને સંડોવાયેલા એજન્ટો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. જો તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરી ન્યાયાલયના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
