મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલીમાં માતાજીના ભુવા બનવાની ખાર રાખી ફરીયાદી પર છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપી દેવાભાઈ માથાસુળીયા ઝડપાયો.
- માથાના ભાગે છરીના ઘા ઝીંકી ચામડી વાળ સાથે અલગ કરી મરણતોલ ઇજા પહોંચાડી આરોપી ફરાર થઈ ગયો હતો.
- અમરેલી સીટી પોલીસ ટીમે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર (છરી) અને મોટરસાઇકલ કબ્જે કર્યું.
- પકડાયેલ આરોપી અગાઉ પણ દારૂના ગેરકાયદેસર કાળા કારોબારના ૩ જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો.
માતાજીના ભુવા બનવાના ખારમાં ઘાતકી જીવલેણ હુમલો કરાયો હતો
ભાવનગર રેન્જ આઈજીપી આર. વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં બનતા જીવલેણ અને ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને સત્વરે શોધી કાઢવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એમ. એમ. ઝાલા અને ટીમ તપાસમાં હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમો હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી પોતે માતાજીનો ભુવો બનવા માંગતો હતો, પરંતુ ફરીયાદી માતાજીના ભુવા બનતા હોઈ અને તેઓ અમરેલી આવતાં આરોપીએ તેનો ખાર રાખ્યો હતો. આરોપી ફરીયાદીને ગાળો આપી ગેરકાયદેસર અટકાયત કરી પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં ઢીકાપાટુનો માર માર્યા બાદ ઘરમાંથી છરી લાવી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે ઘા ઝીંક્યો હતો. આ હુમલામાં ફરીયાદીને માથાની ચામડી વાળ સાથે અલગ થઈ જાય તેવી મરણતોલ ઈજા પહોંચી હતી.
અમરેલી સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની કરી ધરપકડ
આ ગંભીર અને ઘાતકી ગુનો આચર્યા બાદ આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એમ. એમ. ઝાલાની આગેવાનીમાં સીટી સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ તેજ કરી હતી. પોલીસે નાસતા ફરતા આરોપી દેવાભાઈ રૂડાભાઈ માથાસુળીયા (રહે. સાવરકુંડલા રોડ, ફાટક ઉતરતા, પાણીના ટાંકા પાસે, અમરેલી)ને ઝડપી પાડ્યો હતો. સાથોસાથ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ તીક્ષ્ણ હથિયાર છરી તેમજ મોટરસાઇકલ કબ્જે કરીને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપી દેવાભાઈ રૂડાભાઈ માથાસુળીયાનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. આરોપી અગાઉ પણ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના કારોબારમાં સંડોવાયેલો હતો. તેની વિરૂદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ વર્ષ ૨૦૧૮માં એક અને વર્ષ ૨૦૨૦માં બે મળી કૂલ ૩ જેટલા દારૂના ગુનાઓ ચોપડે નોંધાયેલા છે. આ સફળ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. એમ. ઝાલા, પીએસઆઈ એન. બી. ભટ્ટ તેમજ સીટી સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
