મુખ્ય હાઇલાઇટ્સ:
- વલભીપુર તાલુકાના ચમારડી ગામે સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલમાં ભયાનક ગાબડું પડતાં ખેતરો જળબંબાકાર.
- કપાસ બાદ હવે ઘઉં અને ચણાના વાવેતર પર ફાચર; ૫૦૦ થી ૭૦૦ વીઘા જમીનમાં કેનાલનું પાણી ફરી વળ્યું.
- ખેડૂતોને આશરે ૫ થી ૭ લાખ રૂપિયાના આર્થિક નુકસાનનો અંદાજ; તંત્રના મેન્ટેનન્સના અભાવ સામે આક્રોશ.
- નિગમના અધિકારી દ્વારા વળતરની જોગવાઈ ન હોવાનું જણાવાતાં આર્થિક-માનસિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોમાં ભારે રોષ.
ચમારડી ગામે નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરો જળબંબાકાર
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમારડી ગામે સરદાર સરોવર નર્મદા નિગમ સંચાલિત મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડવાની ગંભીર ઘટના સામે આવી છે. કેનાલમાં પડેલા ગાબડાના કારણે હજારો ગેલન પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચમારડી ગામના ખેડૂત ગોહિલ સૂર્યદીપસિંહ પોતાના ખેતરમાં ચણાનું વાવેતર કરવા પહોંચ્યા ત્યારે ખેતરોમાં બેફામ પાણી વહેતું જોઈ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતાં કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર આશરે ૫૦૦ થી ૭૦૦ વીઘા જમીનમાં કેનાલનું પાણી ફરી વળતાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયાં છે.
કપાસ બાદ હવે ઘઉં અને ચણાનું વાવેતર પણ નિષ્ફળ જવાની ભીતિ
કેનાલના પાણી ભરાઈ જવાથી ખેડૂતોની આખી મોસમ નિષ્ફળ જવાનો વારો આવ્યો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ કેનાલની સમસ્યાઓને કારણે કપાસના પાકને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારબાદ ખેડૂતોએ આશા સાથે રવિ સિઝનમાં ઘઉં અને ચણાનું વાવેતર કરવા માટે ખેતરોમાં હળ ચલાવીને જમીન તૈયાર કરી હતી. પરંતુ કેનાલમાં પડેલા ગાબડાના કારણે તૈયાર કરેલી જમીન ધોવાઈ ગઈ છે અને વાવેતર કરવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ દુર્ઘટનાના કારણે ખેડૂતોને પ્રાથમિક દ્રષ્ટિએ આશરે ૫ થી ૭ લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.
દિવાળી ટાણે ખેડૂતો આર્થિક સંકટમાં; તંત્રના જવાબથી આક્રોશ ઘેરો બન્યો
દિવાળી બાદ ખેડૂતોના પરિવારોમાં લગ્નપ્રસંગો આવી રહ્યા હોવાથી ખેતીની આવક પર જ સમગ્ર પરિવાર નિર્ભર હતો. પરંતુ એક પછી એક પાક નિષ્ફળ જતાં ખેડૂતો ગંભીર આર્થિક અને માનસિક તણાવમાં મુકાઈ ગયા છે. આ મામલે ખેડૂતોએ સરદાર સરોવર નર્મદા નિગમના આસિસ્ટન્ટ એન્જિનિયર હાર્દિકભાઈ મકવાણા સમક્ષ સખત રજૂઆત કરી હતી અને સમયસર મેન્ટેનન્સ ન થવા બદલ જવાબદારો સામે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, અધિકારી દ્વારા ‘નર્મદા સરોવર નિગમમાં આવા નુકસાન માટે વળતર આપવાની કોઈ જોગવાઈ નથી’ તેવો જવાબ અપાતાં ખેડૂતોમાં ભારે નિરાશા અને રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોએ સરકાર અને રાજ્ય તંત્ર પાસે તાત્કાલિક મેન્ટેનન્સ હાથ ધરી યોગ્ય નુકસાની વળતર આપવાની ઉગ્ર માગ કરી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
