મુખ્ય હાઇલાઇટ્સ:
- બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામ નજીક આવેલ બાયો ગેસ પ્લાન્ટમાં ધડાકા સાથે થયો બ્લાસ્ટ.
- પ્લાન્ટમાં કામ કરતો ૧ શ્રમિક ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.
- કૂલ ૩ ટેન્ક પૈકી વચલી ટેન્કમાં અચાનક તાપમાન વધી જવાથી બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન.
- ઘટનાની જાણ થતાં તાલુકા વિસ્તરણ અધિકારી અને પોલીસ ટીમ સ્થળ પર; ટેકનિકલ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ.
ટાટમ ગામ નજીક બાયો ગેસ પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામ નજીક આવેલા એક બાયો ગેસ પ્લાન્ટમાં અચાનક ભયાનક ધડાકા સાથે વિસ્ફોટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી અને તીવ્ર હતો કે તેનો અવાજ આસપાસના સીમ અને ગ્રામ્ય વિસ્તારો સુધી સંભળાયો હતો, જેના કારણે સ્થાનિક લોકો અને શ્રમિકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટના સમયે પ્લાન્ટ પર કામ કરી રહેલો એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ટેન્કમાં તાપમાન વધી જતાં બ્લાસ્ટ થયાનું પ્રાથમિક અનુમાન
બનાવની જાણ થતાં જ ગઢડા તાલુકા વિસ્તરણ અધિકારી અને પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તંત્ર દ્વારા સ્થળ પર પહોંચીને પ્લાન્ટની પ્રત્યક્ષ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ બાયો ગેસ પ્લાન્ટમાં કુલ ૩ મોટી ટેન્કો આવેલી છે. જેમાં વચ્ચેની ટેન્કમાં કોઈ કારણોસર અચાનક તાપમાનનું પ્રમાણ ક્ષમતા કરતાં વધી જતાં પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
ટેકનિકલ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ
ઘટના અંગે માહિતી આપતાં ગઢડા તાલુકા વિસ્તરણ અધિકારી હરદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બાયો ગેસ પ્લાન્ટ માટે જમીનની બિનખેતી (એનએ) ની મંજૂરી મેળવવામાં આવી છે, જ્યારે ગેસના સંગ્રહ અને ઉત્પાદન અંગેની મંજૂરી ટેકનિકલ પ્રક્રિયાનો ભાગ છે. આ દુર્ઘટના પ્રાથમિક દ્રષ્ટિએ ટેકનિકલ ક્ષતિ અથવા તાપમાનના અસંતુલનને કારણે થઈ હોવાનું જણાય છે. આથી હવે સંબંધિત ટેકનિકલ વિભાગના નિષ્ણાતો દ્વારા સમગ્ર પ્લાન્ટ અને બ્લાસ્ટના કારણો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. ટેકનિકલ ટીમનો સંપૂર્ણ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ બ્લાસ્ટનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
