મુખ્ય હાઇલાઇટ્સ:
- અમદાવાદના બાપુનગર સોનારિયા બ્લોક નજીકથી ૧૨૪.૧૧ ગ્રામ હેરોઈન સાથે બે ડ્રગ્સ પેડલરો રંગેહાથ ઝડપાયા.
- જપ્ત કરાયેલા નશાકારક હેરોઈન ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. ૨૪.૮૨ લાખ અંકાઈ.
- આરોપીઓ રાજસ્થાનના સાંચોરથી ડ્રગ્સનો જથ્થો લાવી અમદાવાદમાં છૂટક વેચાણ કરતા હોવાનો ખુલાસો.
- હેરોઈનની ફેરી મારવા બદલ પ્રતિ ટ્રીપ રૂ. ૧૦,૦૦૦ મળતા હોવાની કબૂલાત; પોલીસે ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ તેજ કરી.
બાપુનગરમાં સોનારિયા બ્લોક પાસે પોલીસની સફળ વોચ
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસે મોટો સપાટો બોલાવ્યો છે. બાપુનગર પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સોનારિયા બ્લોક નજીક ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર સઘન વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ટુ-વ્હીલર પર સવાર થઈને આવેલા બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાતાં પોલીસે તેમને અટકાવીને તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી ૧૨૪.૧૧ ગ્રામ જેટલો હેરોઈનનો જથ્થો મળી આવતાં પોલીસે બંનેની સ્થળ પર જ અટકાયત કરી હતી.
રૂ. ૨૪.૮૨ લાખનો મુદામાલ અને ટુ-વ્હીલર સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસ કમિશનરની સૂચના હેઠળ હાથ ધરાયેલા આ ઓપરેશનમાં પોલીસે જપ્ત કરેલા ૧૨૪.૧૧ ગ્રામ હેરોઈનની અંદાજિત કિંમત રૂ. ૨૪.૮૨ લાખ થવા જાય છે. હેરોઈનના જથ્થા ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી ૨ મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું ટુ-વ્હીલર વાહન પણ સીઝ કર્યું છે. પકડાયેલા આરોપીઓની ઓળખ બાપુનગરના સોનારિયા બ્લોકમાં રહેતા રોહિત રાજપૂત અને આનંદ પ્રજાપતિ તરીકે થઈ છે.
રાજસ્થાનથી ડ્રગ્સ નેટવર્ક ચાલતું હોવાનો ખુલાસો અને વધુ તપાસ શરૂ
પ્રાથમિક પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓને રાજસ્થાનના સાંચોર ખાતેથી હેરોઈનનો જથ્થો અમદાવાદ લાવવાનું કામ સોંપવામાં આવતું હતું. ડ્રગ્સ લાવીને અમદાવાદમાં પહોંચાડવા બદલ તેમને દરેક ટ્રીપના રૂ. ૧૦,૦૦૦ ચૂકવવામાં આવતા હતા, જ્યારે ડ્રગ્સના છૂટક વેચાણ બદલ અલગથી નાણાં આપવામાં આવતા હતા. બાપુનગર પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી ડ્રગ્સનો આ જથ્થો સાંચોરથી કોણે મોકલ્યો હતો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
