મુખ્ય હાઇલાઇટ્સ:
- સરદારનગરના રહીશનો માનસિક રીતે બિમાર નાનો ભાઈ સાયકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો.
- પરિવારજનોની રજૂઆત બાદ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરે સીસીટીવી ફૂટેજ ચકાસી ટ્રેસિંગ શરૂ કર્યું.
- હીરામોતી ચોક અને માર્કેટિંગ યાર્ડ થઈ નાગદેવતા મંદિર પાસે હોવાનું ફૂટેજમાં જાણવા મળ્યું.
- નેત્રમ ટીમે સ્થળ પર પહોંચી યુવકને શોધી કાઢી પરિવાર સાથે સહી-સલામત મિલન કરાવ્યું.
ઘરેથી નીકળી ગયેલા યુવકની શોધખોળ માટે નેત્રમની મદદ લેવાઈ
અમરેલી શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા નિખિલભાઈ મહેશભાઈ પ્રજાપતિનો નાનો ભાઈ, જે માનસિક રીતે બિમાર હોય, તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારના સાડા આઠ વાગ્યાના સુમારે કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી પોતાની સાયકલ લઈને નીકળી ગયો હતો. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો ન મળતાં, આખરે નિખિલભાઈ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી અને નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) એ.જી. ગોહીલના માર્ગદર્શન હેઠળ કાર્યરત “નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે પોલીસ સ્ટાફને જાણ કરી હતી.
સીસીટીવી કેમેરાના આધારે યુવકનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરાયું
અરજદારની રજૂઆત મળતાં જ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના ઈન્ચાર્જ પી.એસ.આઈ. એચ.એલ. પાથરની સૂચના મુજબ પોલીસ સ્ટાફે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટાફે સરદાર ચોક પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા અરજદારનો નાનો ભાઈ સાયકલ લઈને જતો નજરે પડ્યો હતો. પોલીસ ટીમે રૂટના કેમેરા આગળ ટ્રેસ કરતાં યુવક હીરામોતી ચોક થઈ માર્કેટીંગ યાર્ડ તરફ અને ત્યાંથી નાગદેવતા મંદિર બાજુ જતો જોવા મળ્યો હતો.
માર્કેટીંગ યાર્ડ મંદિર પાસેથી યુવક મળી આવતા પરિવાર સાથે મિલન કરાવ્યું
સીસીટીવી ફૂટેજમાં ચોક્કસ રૂટ મળતાં જ પોલીસે માર્કેટીંગ યાર્ડમાં આવેલ મંદિર નજીક તપાસ હાથ ધરી હતી, જ્યાં યુવક બેઠેલો મળી આવ્યો હતો. નેત્રમની ટીમે સહી-સલામત રીતે યુવકનો કબ્જો મેળવી તેને તેના ભાઈ અને પરિવારજનો સાથે મિલાપ કરાવ્યો હતો. ગુમ થયેલો ભાઈ હેમખેમ પરત મળતાં પરિવારે અમરેલી પોલીસ અને નેત્રમ ટીમનો આભાર માન્યો હતો. આ સફળ કામગીરીમાં નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પોલીસ કોન્સ્ટેબલ લાભુગીરી ગોસાઈ, જયદીપભાઈ કુકડીયા તથા અન્ય સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
