મુખ્ય હાઇલાઇટ્સ:
- બગસરા શહેરના વેપારીઓ સાથે ₹૪.૦૬ લાખની છેતરપિંડી આચરનાર અમદાવાદના શાતિર ઠગ પ્રણવ પ્રવીણભાઈ સોનીની ધરપકડ.
- ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી એસપીની સૂચનાથી બગસરા પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી હાથ ધરી સફળ કાર્યવાહી.
- પ્લાયવુડ, ઇલેક્ટ્રિક વાયરના બંડલો, કલર-ફેવિનોલની ડોલ અને મોબાઈલ સહિત ₹૨,૮૧,૯૫૦ નો કિંમતી મુદ્દામાલ જપ્ત.
- દુકાન ભાડે રાખી શોરૂમ બનાવવાના નામે સામાન ખરીદી બોગસ ચેક આપી પલાયન થવાની મોડસ ઓપરેન્ડી; આરોપી સામે અગાઉ પણ નોંધાયેલા છે ૫ ગંભીર ગુના.
વેપારીઓને લાખોનો ચૂનો લગાવનાર શાતિર ઠગ પોલીસના સકંજામાં
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાનો સામાન ખરીદી બોગસ ચેક આપી પલાયન થઈ જનાર શાતિર ઠગને પકડી પાડવામાં બગસરા પોલીસને મોટી સફળતા સાંપડી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા છેતરપિંડીના ગુનાઓ શોધી કાઢવા આપેલા આદેશના પગલે, ધારી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે. ગોલવેલકરની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. બગસરામાં વેપારીઓ સાથે ₹૪.૦૬ લાખની ઠગાઈ અંગે નોંધાયેલા ગુનામાં પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા ૫૫ વર્ષીય આરોપી પ્રણવભાઈ પ્રવીણભાઈ સોનીની અટકાયત કરી છે.
દુકાન ભાડે રાખી વેપારીઓને જાળમાં ફસાવવાની ખાસ મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આરોપી બ્રાન્ડેડ કપડાં અને બુટ-ચંપલનો ભવ્ય શોરૂમ બનાવવાના બહાને જે તે શહેરમાં ભાડે દુકાન રાખતો હતો. ત્યારબાદ દુકાનમાં ફર્નિચર અને કલરકામ ચાલુ કરી આસપાસના વેપારીઓનો વિશ્વાસ કેળવતો હતો. વિશ્વાસ જામી ગયા બાદ તે ઇલેક્ટ્રિક સામાન, પ્લાયવુડ, કલર, ફેવિકોલ તેમજ ટીવી અને એસી જેવા મોંઘા સાધનોની ખરીદી કરતો હતો. ચૂકવણી પેટે ચેક આપીને પેમેન્ટ આપ્યા વગર રાતોરાત સામાન લઈને ભાગી જવું તેની મુખ્ય ટેવ હતી.
₹૨.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત, અગાઉ પણ અનેક જિલ્લાઓમાં આચરી ચૂક્યો છે ઠગાઈ
બગસરા પોલીસે સફળ દરોડો પાડી આરોપી પાસેથી ₹૧.૦૮ લાખની કિંમતના ૪૦ નંગ પ્લાયવુડના પાટીયા, ₹૧.૪૯ લાખની કિંમતના આરઆર કંપનીના ૫૦ બંડલ વાયર, પ્રાઈમર અને ફેવિકોલની ડોલ તથા મોબાઈલ ફોન મળીને કુલ ₹૨,૮૧,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલો આરોપી અગાઉ મહેમદાબાદ, કડી, નડિયાદ રૂરલ અને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકમાં પણ આવી જ છેતરપિંડીના ૫ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો ગુનેગાર છે.
સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ
આ બહુચર્ચિત ગુનાનો ઉકેલ લાવવામાં બગસરા પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે. ગોલવેલકર, પીએસઆઈ એચ.જી. મારુ, એએસઆઈ ભગવાનભાઈ ભીલ, હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રભાઈ બસીયા, પોલીસ કોન્સ્ટેબલ જયંતિભાઈ ભાસરકા, માલદાનભાઇ અરડુ, જયેશભાઇ મકવાણા, પ્રવીણભાઇ કલસરીયા અને અનિરુદ્ધસિંહ નકુમ સહિત સમગ્ર બગસરા પોલીસ સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
