મુખ્ય હાઇલાઇટ્સ:
- અમરેલી સરકારી સર્કિટ હાઉસ ખાતે મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબનો પોઝીટીવ રીપોર્ટ આપવાના બદલામાં લાંચ લેતા ગેરી વડોદરાના બે અધિકારીઓ ઝડપાયા.
- વર્ગ-૧ ના સંશોધન અધિકારી આણંદભાઇ ખરેડીયા અને વર્ગ-૩ ના સીનીયર સાયંટીફીક આસીસ્ટન્ટ જીગરભાઇ ભુટીયાની એસીબીએ કરી ધરપકડ.
- ફરિયાદી પાસે માંગેલી ₹૨૧,૦૦૦ ની લાંચ પૈકી રૂ. ૧૫,૦૦૦ વર્ગ-૧ અધિકારીના અને રૂ. ૬,૦૦૦ સહાયકના ભાગના સ્વીકારતા જ ટ્રેપ સફળ.
- અમરેલી એસીબી ઇનચાર્જ પીઆઈ ટી.એસ. રીઝવી તથા અમરેલી-ભાવનગર એસીબી સ્ટાફના સંયુક્ત ઓપરેશનથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ.
લેબના પોઝીટીવ રીપોર્ટ આપવા માંગવામાં આવી હતી લાંચ
ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (ગેરી), વડોદરાના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા અત્યંત કડક અને લાલઆંખ કરતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી શહેરમાં આવેલી ફરિયાદીની મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબની સરપ્રાઇઝ વિઝીટ દરમિયાન ગેરી વડોદરાના સંશોધન અધિકારી (કાર્યપાલક ઇજનેર) અને વર્ગ-૧ ના અધિકારી આણંદભાઇ નરેન્દ્રભાઇ ખરેડીયા (ઉંમર વર્ષ ૫૨) તથા સીનીયર સાયંટીફીક આસીસ્ટન્ટ અને વર્ગ-૩ ના કર્મચારી જીગરભાઇ કલસીંગભાઇ ભુટીયા (ઉંમર વર્ષ ૩૦) દ્વારા લેબનો પોઝીટીવ રીપોર્ટ આપવાના બદલામાં કુલ ₹૨૧,૦૦૦ ની લાંચની ગેરકાયદેસર માંગણી કરવામાં આવી હતી.
સર્કિટ હાઉસના રૂમ નંબર ૧૧ માં ગોઠવાયું લાંચનું છટકું
ફરિયાદી ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃત હોઈ અને લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક અમરેલી એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે એસીબી દ્વારા સચોટ અને આયોજનબદ્ધ રીતે લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવવામાં આવ્યું હતું. અમરેલી શહેરના ચીતલ રોડ પર આવેલા સરકારી સર્કિટ હાઉસના રૂમ નંબર ૧૧ માં પ્રથમ આક્ષેપિત આણંદભાઇના કહેવાથી બીજા આક્ષેપિત જીગરભાઇએ ફરિયાદી પાસેથી લાંચના નાણાં સ્વીકાર્યા હતા. જેમાં આરોપી નંબર ૧ ના ભાગના ₹૧૫,૦૦૦ તથા આરોપી નંબર ૨ ના ભાગના ₹૬,૦૦૦ મળીને કુલ ₹૨૧,૦૦૦ ની રકમ ગણતરીપૂર્વક સ્વીકારતાની સાથે જ પૂર્વ ગોઠવાયેલી એસીબીની ટીમે દરોડો પાડી બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
એસીબીની લાલઆંખથી ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ
પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી ગંભીર ગુનો આચરતા પકડાયેલા બંને અધિકારીઓની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી. આ સફળ ટ્રેપની કામગીરી અમરેલી એસીબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવી તેમજ અમરેલી અને ભાવનગર એસીબી સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી છે. સરકારી ફરજની આડમાં લાંચખોરી કરતા ઉચ્ચ અધિકારીઓ સામે એસીબીની આ કડક કાર્યવાહીના કારણે વહિવટી તંત્રના ભ્રષ્ટ તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
