મુખ્ય હાઇલાઇટ્સ:
- ગોંડલના ચર્ચિત આઈકોનિક લોકમેળામાં અચાનક ઉડી છરીઓ; મેળો લોહીયાળ બનતાં લોકોમાં અફરાતફરી.
- છરીના ઘા વાગવાથી સ્ટોલ સંચાલક ૨૮ વર્ષીય રમાશંકર બરમનનું નીપજ્યું મોત.
- હુમલામાં ઈજાગ્રસ્ત વિશાલ શર્માની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા.
- બનાવ બાદ ભાગી રહેલા આરોપીનો પી.એસ.આઈ. સુરાણી અને પી.આઈ. ગઢવીએ પીછો કરી દોડીને ઝડપી પાડ્યો.
આઈકોનિક લોકમેળામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો: ૧ નું મોત
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આયોજિત આઈકોનિક લોકમેળામાં અચાનક બનેલી છરીબાજીની ઘટનાથી ભારે સસનાટી અને અફરાતફરી મચી જવા પામી છે. મેળાની મજા માણી રહેલા સહેલાણીઓ વચ્ચે અચાનક જ તીક્ષ્ણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક બનાવમાં મેળામાં સ્ટોલ ચલાવતા ૨૮ વર્ષીય યુવક રમાશંકર કમલ પ્રસાદ બરમન (હાલ રહે. ગોંડલ, મૂળ સુડૌર, જિલ્લો-પન્ના, મધ્યપ્રદેશ) ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. લોકમેળા જેવા જાહેર સ્થળે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
અન્ય એક યુવક ગંભીર: એક્ટિવા પર દર્દીને હોસ્પિટલ ખસેડાયો
આ લોહીયાળ હુમલા દરમિયાન અન્ય એક યુવક વિશાલ શર્મા (ઉંમર વર્ષ ૨૮) પણ છરીના ઘા વાગવાથી ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાને પગલે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના જયભાઈ માધડે સમયસૂચકતા વાપરીને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક પોતાના એક્ટિવા પર બેસાડીને નજીકની હોસ્પિટલે પહોંચાડ્યો હતો. જો કે, યુવકની સ્થિતિ અત્યંત નાજુક જણાતાં તેને વધુ અને વધુ સઘન સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ભાગતા આરોપીને પોલીસે દોડીને દબોચી લીધો
ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસનો કાફલો તાબડતોબ મેળાના સ્થળે દોડી આવ્યો હતો. હુમલો કર્યા બાદ ભીડનો લાભ ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપીનો પી.એસ.આઈ. સુરાણી અને પી.આઈ. ગઢવીએ પીછો કર્યો હતો. બંને પોલીસ અધિકારીઓએ પાછળ દોડીને ભાગી રહેલા આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો અને તેને કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લોકમેળા પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે અને હુમલા પાછળનું સાચું કારણ જાણવા કડક પૂછપરછ શરૂ કરી છે.
