મુખ્ય હાઇલાઇટ્સ:
- આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા ‘મિશન ૨૦૨૭’ ની ભવ્ય જાહેરાત.
- ૧૦ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન રાજ્યના ૫૬,૦૦૦ બૂથો પર ચાલશે બૂથ સંગઠન નિર્માણ અભિયાન.
- અભિયાનના સંચાલન માટે અઢી હજારથી વધુ હોદ્દેદારોની નિયુક્તિ, ૬૦૦ થી વધુ પ્રદેશ લીડરો માટે ટ્રેનિંગ વર્કશોપનું આયોજન.
- રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કરવા આગામી ૯ સપ્ટેમ્બરથી ‘ગ્રામ સત્યાગ્રહ’ અને ૨ ઓક્ટોબરે ગાંધીનગર કૂચનું એલાન.
ગુજરાતમાં ૫૬,૦૦૦ બૂથો પર મજબૂત સંગઠન બનાવશે આપ
વર્ષ ૨૦૨૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં પોતાના સંગઠનને ધારદાર બનાવવા માટે ‘મિશન ૨૦૨૭’ નો પ્રારંભ કર્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે સમગ્ર ગુજરાતના ૫૬,૦૦૦ બૂથો પર સંગઠન મજબૂત કરવા માટે એક મહિનાનું વિશેષ “બૂથ સંગઠન નિર્માણ અભિયાન” હાથ ધરવામાં આવશે. આ મંથન બેઠકમાં પ્રદેશના ૬૦૦ થી વધુ અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ અભિયાનના સફળ સંચાલન માટે ૨૫૦૦ જેટલા જવાબદારોની વિશેષ નિયુક્તિ પણ કરવામાં આવી છે.
૧૦ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી ચાલશે સઘન ઝુંબેશ
આગામી ૧૦ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દરેક બૂથ સ્તરે જઈને સ્થાનિક નાગરિકો સાથે બેઠકો યોજશે અને પ્રજાના હક તથા અધિકારોના મુદ્દાઓ પર ચર્ચા કરશે. ગોપાલ રાયે જણાવ્યું હતું કે ભાજપના ૩૦ વર્ષના શાસનથી જનતા નિરાશ છે અને કોંગ્રેસ પણ વિપક્ષ તરીકે નિષ્ફળ નીવડી છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી જમીન પર ઉતરીને મજબૂત સંગઠન સાથે ભાજપનો મુખ્ય વિકલ્પ બનશે. અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાનારા આ કાર્યક્રમ દ્વારા એક મહિનામાં ‘આપ’ ગુજરાતમાં સંગઠન સ્તરે નંબર વન પાર્ટી બનવાનો દાવો કરવામાં આવ્યો છે.
દુષ્કાળ મુદ્દે ૯ સપ્ટેમ્બરથી ગ્રામ સત્યાગ્રહ અને ૨ ઓક્ટોબરે ગાંધીનગર કૂચ
બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ઉમેર્યું હતું કે ભૂતકાળની કચાસ દૂર કરીને આ વખતે ગ્રામ અને બૂથ સમિતિ સુધી પદાધિકારીઓ સીધા પહોંચશે. આ સાથે જ તેમણે રાજ્યમાં કથળતી જતી ચોમાસાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના ૧૦૮ તાલુકાઓમાં દુષ્કાળ જેવી વિકટ સ્થિતિ છે. આ ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે ૯ સપ્ટેમ્બરથી ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ ના બીજા તબક્કાની શરૂઆત થશે. તમામ પ્રભાવિત ગામોમાં ગ્રામ સત્યાગ્રહ યોજીને ૧ ઓક્ટોબર સુધી ખેડૂતો પાસે માગણી ફોર્મ ભરાવાશે અને ત્યારબાદ ૨ ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય કૂચ કરવામાં આવશે.
અહેવાલ: ચેતન રાજપૂત
