મુખ્ય હાઇલાઇટ્સ:
- પીઈએફઆઈ ગુજરાત દ્વારા રાષ્ટ્રીય રમત દિવસે રાજ્યના ૧૩૧ સ્થળોએ એકસાથે સ્પોટ્સ અવેરનેસ કેમ્પેઇનનું આયોજન.
- રાજ્યભરની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને સ્પોટ્સ ક્લબના ૩૦,૦૦૦થી વધુ લોકોએ લીધો સક્રિય ભાગ.
- ૧૮થી વધુ રમતોને પ્રોત્સાહન આપવા ૧૨૨ નોડલ ઓફિસર, ૨૬ જિલ્લા કો-ઓર્ડિનેટર અને ૩૦૦થી વધુ વોલેન્ટિયર્સે ભજવી મહત્વની ભૂમિકા.
- ગ્રાસરૂટથી ગ્લોબલ સુધીના અભિગમ સાથે ગુજરાતને સ્પોટિંગ સ્ટેટ બનાવવાનો પીઈએફઆઈનો વિશેષ સંકલ્પ.
રાષ્ટ્રીય રમત દિવસે ૧૩૧ સ્થળોએ એકસાથે સ્પોટ્સ ક્રાંતિ
ગુજરાતમાં રમતગમતને માત્ર સ્પર્ધા પૂરતી સીમિત ન રાખી તેને જનઆંદોલન અને દૈનિક જીવનશૈલી બનાવવાના ઉદ્દેશ્ય સાથે પીઈએફઆઈ ગુજરાત દ્વારા એક વિશાળ રાજ્યવ્યાપી સ્પોટ્સ અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રમત દિવસના પાવન અવસરે હાથ ધરાયેલા આ અભિયાન અંતર્ગત ગુજરાતના ૧૩૧ જેટલા વિવિધ સ્થળોએ એકસાથે રમતગમત જાગૃતિ અને ખેલકૂદ પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરાયું હતું. આ અભિયાનમાં પ્રાથમિક અને સરકારી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ તથા સ્પોટ્સ ક્લબને સાંકળી લેવામાં આવ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી રમતગમતનો સંદેશ પહોંચે તે માટે વિશેષ આયોજન હાથ ધરાયું હતું.
૩૦ હજારથી વધુ ભાગીદારો અને મજબૂત સંગઠનાત્મક માળખું
આ વિશાળ રાજ્યવ્યાપી અભિયાનમાં ૩૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો, રમતવીરો અને રમતપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યારે સમગ્ર રાજ્યમાં ૧૮થી વધુ રમતોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીઈએફઆઈ ગુજરાતના ૧૨૨ નોડલ ઓફિસર, ૨૬ જિલ્લા કો-ઓર્ડિનેટર અને ૩૦૦થી વધુ સક્રિય વોલેન્ટિયર્સે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. આ ટીમે શાળાઓ, કોલેજો અને ગ્રામ્ય વિસ્તારો સાથે સીધો સંપર્ક સાધીને રમતગમત અંગે જાગૃતિ ફેલાવી હતી. સંગઠનનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે રમત માત્ર મોટા શહેરોના સ્ટેડિયમ સુધી સીમિત ન રહેતાં ગામના નાના મેદાન અને શાળાના કેમ્પસ સુધી પહોંચવી જોઈએ.
મેડલ પહેલાં મેદાન જરૂરી: રમતને જીવનશૈલી બનાવવા આહ્વાન
પીઈએફઆઈ ગુજરાતના રાજ્ય સેક્રેટરી ડો. આકાશ એચ. ગોહિલે જણાવ્યું હતું કે, “ગામડાં અને શાળાના મેદાનથી જ ભારતના રમતગમતનું ભવિષ્ય ઘડાશે. આજે ગ્રાઉન્ડ પર રમતું બાળક જ આવતીકાલનો આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન બની શકે છે. ગ્રાસરૂટ્સ સ્પોટ્સને મજબૂત કરવું એ જ સાચા અર્થમાં રમતગમતના વિકાસની સાચી ચાવી છે.” આ જ વિઝનને દોહરાવતાં પીઈએફઆઈ ગુજરાતના પ્રમુખ પ્રો. ડો. અર્જુનસિંહ રાણાએ ઉમેર્યું હતું કે, “રમત માત્ર મેદાનની જીત નથી, પરંતુ જીવન જીતવાની સાચી તૈયારી છે. રાષ્ટ્રીય રમત દિવસનો સંદેશ સ્પષ્ટ છે કે દરેક બાળક રમે, દરેક યુવા ફિટ રહે અને ભારત વિશ્વનું સૌથી સશક્ત રાષ્ટ્ર બને. આપણે રમતને માત્ર શોખ નહીં પરંતુ જીવનશૈલી બનાવવાની જરૂર છે.”
ગ્રાસરૂટથી ગ્લોબલ તરફ ગુજરાતની સ્પોટ્સ સફર
ગુજરાત આજે વિવિધ ક્ષેત્રોની સાથે સ્પોટ્સ ડેસ્ટિનેશન તરીકે પણ પોતાની આગવી ઓળખ મજબૂત કરી રહ્યું છે. આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતની સ્પર્ધાઓ માટે રાજ્યમાં માત્ર સ્ટેડિયમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતા નથી, પરંતુ શાળા અને ગ્રામ્ય સ્તરેથી જ મજબૂત સ્પોટ્સ કલ્ચર ઊભું કરવું જરૂરી છે. પીઈએફઆઈ ગુજરાત જાગૃતિ, ભાગીદારી, પ્રતિભા શોધ, યોગ્ય તાલીમ અને ચેમ્પિયનશિપના પાંચ તબક્કાના અભિગમ સાથે કામ કરી રહ્યું છે. સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, કોચ અને વાલીઓ એકસાથે મળીને જનભાગીદારી વધારે તેવા ઉદ્દેશ્ય સાથે પીઈએફઆઈ ગુજરાત રાજ્યના દરેક ખૂણે ‘સ્પોર્ટી ગુજરાત’નું વિઝન સાકાર કરવા સતત કાર્યરત છે.
અહેવાલ: ચેતન રાજપૂત
