મુખ્ય હાઇલાઇટ્સ:
- ડિજિટલ યુગમાં સાધન-સામગ્રી વધી છતાં વિદ્યાર્થીઓમાં સમજણશક્તિ વધારવી મુખ્ય પડકાર.
- પરીક્ષાલક્ષી ગોખણપટ્ટીને બદલે વિષયને સમજીને રોજિંદા જીવન સાથે જોડવો જરૂરી.
- વર્ગખંડમાં વિદ્યાર્થીઓમાં ‘શા માટે?’ પૂછવાની ટેવ અને વિચારવાની ક્ષમતા કેળવવી અનિવાર્ય.
- શિક્ષકો અને વાલીઓએ માત્ર પુસ્તકોની સંખ્યા વધારવાને બદલે વાંચનની ગુણવત્તા અને ચર્ચા પર ભાર આપવો જોઈએ.
આજના ડિજિટલ યુગમાં શિક્ષણની બદલાતી વ્યાખ્યા
આજના સમયમાં શિક્ષણ મેળવવાની તકો અગાઉ કરતાં અનેકગણી વધી ગઈ છે. વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તકો ઉપરાંત નોટ્સ, વીડિયો, ઓનલાઇન લેકચર્સ, ડિજિટલ એપ્લિકેશન્સ અને વિવિધ શૈક્ષણિક સામગ્રી આંગળીના નાચે ઉપલબ્ધ છે. છતાં એક મહત્વનો પ્રશ્ન આજે પણ ઊભો થાય છે કે વિદ્યાર્થી ઘણું વાંચે છે, પરંતુ તેમાંથી ખરેખર કેટલું સમજે છે? વર્તમાન શિક્ષણપ્રણાલીમાં ઘણી વખત વાંચનનો હેતુ જ્ઞાન મેળવવા કરતાં માત્ર પરીક્ષામાં જવાબ લખવાનો બની ગયો છે. વિદ્યાર્થીઓ વિષયને સમજીને વાંચવાને બદલે પ્રશ્નો યાદ કરી લે છે, જે પરીક્ષા પૂરી થતાં જ ભૂલાઈ જાય છે. આવી સ્થિતિમાં ગુણ મેળવી શકાય છે, પરંતુ જ્ઞાનનો વાસ્તવિક વિકાસ થતો નથી.
શિક્ષણનો સાચો અર્થ અને ‘શા માટે?’ પૂછવાની ટેવ
શિક્ષણનો સાચો અર્થ માત્ર માહિતી યાદ રાખવામાં નથી. કોઈ વિષય વાંચ્યા પછી વિદ્યાર્થી પોતાના શબ્દોમાં તેને સમજાવી શકે, તેના વિશે પ્રશ્નો પૂછી શકે અને તેને રોજિંદા જીવન સાથે જોડી શકે ત્યારે જ શિક્ષણ અસરકારક બન્યું કહેવાય. આ માટે વિદ્યાર્થીઓમાં ‘શા માટે?’ પૂછવાની ટેવ ખૂબ મહત્વની છે. વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત વાંચતી વખતે ‘આ કેમ થાય છે?’, ઇતિહાસ વાંચતી વખતે ‘આ ઘટના બની જ કેમ?’ અને ગણિતનો દાખલો ઉકેલતી વખતે ‘આ પદ્ધતિ જ કેમ?’ એવા પ્રશ્નો પૂછવાની ટેવ વિદ્યાર્થીને માત્ર યાદ રાખનાર નહીં, પરંતુ એક સક્રિય વિચારનાર બનાવે છે.
શિક્ષકો અને વાલીઓની ભૂમિકામાં બદલાવ જરૂરી
આ દિશામાં શિક્ષકો અને વાલીઓ બંનેની ભૂમિકા બદલાવી જરૂરી છે. વર્ગખંડમાં માત્ર પાઠ પૂરો કરવાને બદલે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવી, ઉદાહરણો આપવા અને તેમને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. જો વિદ્યાર્થીનો જવાબ ખોટો હોય તો પણ તેને બોલવા દેવો જોઈએ, કારણ કે ખોટા જવાબમાંથી જ ઘણીવાર સાચી સમજણનો રસ્તો મળે છે. તેવી જ રીતે, વાલીઓએ પણ બાળકોના હાથમાં માત્ર પુસ્તકોની સંખ્યા વધારવાને બદલે તેમની વાંચનની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ. ઘરમાં સમાચાર, પુસ્તકો કે રસપ્રદ વિષયો પર ચર્ચા કરવાથી બાળકમાં વિચારવાની અને પોતાનો મત રજૂ કરવાની ક્ષમતા ખીલે છે.
માહિતીના ગ્રાહક નહીં, પરંતુ વિચારશીલ શીખનાર બનીએ
માહિતીના આ વિસ્ફોટના યુગમાં યોગ્ય અને ઉપયોગી માહિતી ઓળખીને તેનું યોગ્ય વિશ્લેષણ કરવું એ જ ખરી ચાવી છે. તેથી વિદ્યાર્થીઓએ માત્ર માહિતીના ગ્રાહક બનવા કરતાં વિચારશીલ શીખનાર બનવું પડશે. આપણે એવી શિક્ષણવ્યવસ્થા તરફ આગળ વધવું પડશે જ્યાં વિદ્યાર્થી માત્ર ‘કેટલું યાદ રાખ્યું?’ તેનાથી નહીં, પરંતુ ‘કેટલું સમજ્યું, કેટલું વિચાર્યું અને શીખેલા જ્ઞાનનો કેટલો ઉપયોગ કર્યો?’ તેનાથી ઓળખાય. પુસ્તક વિદ્યાર્થીના હાથમાં હોય તે સારી વાત છે, પરંતુ પુસ્તકમાંથી નીકળેલો વિચાર તેના મગજ સુધી પહોંચે તે જ શિક્ષણની સાચી સફળતા છે.
અહેવાલ: ચેતન રાજપૂત
