મુખ્ય હાઇલાઇટ્સ:
- સાવરકુંડલાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળા દ્વારા જરૂરી લાયકાત વિનાના શિક્ષકોની કરાઈ હતી નિમણૂક.
- આરટીઈ એક્ટની કલમ-૧૯, ૨૩ અને શેડ્યુલ-એફના કાયદાકીય નિયમોના ભંગ બદલ અમરેલી ડીપીઇઓ દ્વારા દંડાત્મક આદેશ.
- અરજદાર દીપેશ સી. જોશીની લેખિત રજૂઆત બાદ શિક્ષણ તંત્ર એક્શન મોડમાં આવ્યું.
- શાળાને કાયદાનું પાલન કરવાની કડક સૂચના આપી રૂ. ૧૦,૦૦૦નો ફટકારાયો દંડ.
- દંડના આદેશ બાદ અમરેલી જિલ્લાની અન્ય ખાનગી શાળાઓમાં શિક્ષકોની લાયકાત અંગે સઘન તપાસની માંગ પ્રબળ બની.
ગેરલાયક શિક્ષકોની નિમણૂક કરી નિયમોનો કરાયો ભંગ
સાવરકુંડલા સ્થિત શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક નિયમોની હોળી કરીને જરૂરી લાયકાત વગરના શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હોવાની ગંભીર બાબત સામે આવી છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા નિર્ધારિત શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરવી અનિવાર્ય હોવા છતાં, શાળા દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઈ) એક્ટ અને સરકારી નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો.
દીપેશ સી. જોશીની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ એક્શન મોડમાં
આ ગંભીર મુદ્દે અરજદાર દીપેશ સી. જોશી દ્વારા અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડીપીઇઓ) તથા ગાંધીનગર શિક્ષણ નિયામક સમક્ષ આધાર-પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ખાનગી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે શેડ્યુલ-એફના ક્લોઝ-૬ મુજબ નિર્ધારિત તાલીમ અને લાયકાત ફરજિયાત છે. આ ઉપરાંત આરટીઈ એક્ટ-૨૦૦૯ ની કલમ-૧૯ (શિક્ષકોની સેવા-શરતો અને વ્યાવસાયિક કેડર) તથા કલમ-૨૩ (જીસીઇઆરટી દ્વારા નિર્ધારિત શૈક્ષણિક ધોરણો અને મૂલ્યાંકન) તેમજ ગુજરાત સરકારના તા. ૦૨/૧૨/૨૦૧૪ ના પરિપત્રનું પાલન કરવું તમામ શાળાઓ માટે કાયદાકીય રીતે બંધનકર્તા છે.
ડીપીઇઓ અમરેલી દ્વારા રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકારાયો
આ રજૂઆતના આધારે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે અમરેલી ડીપીઇઓ દ્વારા તા. ૨૦/૦૮/૨૦૨૬ના રોજ આદેશ પાઠવીને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળાને કાયદાકીય નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે અને રૂ. ૧૦,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સાંખી નહીં લેવાય: અરજદાર
આ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરતાં દીપેશ સી. જોશીએ જણાવ્યું હતું કે, “શાળામાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરવી એ માત્ર કાયદાકીય ફરજ નથી, પણ બાળકોના ભવિષ્ય પ્રત્યેની નૈતિક જવાબદારી છે. જો ગુણવત્તા સાથે સમાધાન થાય તો તેનું સીધું નુકસાન નિર્દોષ બાળકોએ ભોગવવું પડે છે.” આ દંડાત્મક આદેશ બાદ હવે સમગ્ર અમરેલી જિલ્લાની અન્ય ખાનગી શાળાઓમાં પણ શેડ્યુલ-એફ અને આરટીઈ ના નિયમો મુજબ યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો છે કે નહીં તેની સઘન તપાસ કરવાની માંગ ઉઠી છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
