મુખ્ય હાઇલાઇટ્સ:
- ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વન અને વન્યજીવ સંરક્ષણ માટે ૪ માસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું.
- નાયબ વન સંરક્ષક (ડીસીએફ) વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ ૭૫ ગુના નોંધી રૂ. ૧૩.૩૦ લાખથી વધુનો દંડ વસૂલાયો.
- અભયારણ્યમાં ગેરકાયદે પ્રવેશ, શિકાર, લાકડાની હેરફેર અને અનામત વીડીમાં ચરિયાણ સામે કડક પગલાં.
- સિંહ દર્શન કે પજવણીની સોશિયલ મીડિયા રીલ્સ કે વીડિયો દેખાય તો તુરંત વન વિભાગને જાણ કરવા ડીસીએફની અપીલ.
ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ
ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વન અને વન્યજીવ સંરક્ષણ માટે છેલ્લા ચાર મહિના દરમિયાન સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીરના જંગલો અને અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારા તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરી છે. નાયબ વન સંરક્ષક (ડીસીએફ) વિકાસ યાદવના જણાવ્યા અનુસાર, ગીર વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં ભરીને કુલ ૭૫ ગુનાઓ હેઠળ રૂ. ૧૩,૩૦,૯૦૦/- નો દંડ વસૂલવામાં આવ્યો છે.
ચાર મહિનામાં વિવિધ ગુનાઓ હેઠળ લેવાયેલા આકરા પગલાં
વન વિભાગ દ્વારા નોંધવામાં આવેલા ગુનાઓની વિગત આપતાં જણાવાયું છે કે, અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ કરવા બદલ ૩૮ ગુના નોંધી રૂ. ૭,૭૬,૪૦૦/- નો દંડ વસૂલ કરાયો છે. શિકાર સંબંધિત કુલ ૮ ગુના નોંધાયા હતા, જેમાં ૪ કેસ અદાલતમાં રજૂ કરાયા છે અને બાકીના ૪ કેસમાં રૂ. ૨,૨૦,૦૦૦/- નો દંડ કરાયો છે. આ ઉપરાંત પરવાનગી કે માન્ય ટ્રાન્ઝિટ પાસ વગર લાકડાની હેરફેરના ૧૬ ગુના હેઠળ રૂ. ૩,૦૩,૦૦૦/- અને અનામત વીડીમાં ગેરકાયદેસર ચરિયાણ તથા પ્લાસ્ટિક કચરો ફેંકવા બદલ ૧૭ ગુના નોંધી રૂ. ૩૨,૫૦૦/- નો દંડ કરાયો છે.
સિંહ દર્શન અને વન્યપ્રાણી પજવણી સામે આકરી ચેતવણી
વન વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સિંહ કે અન્ય વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદે લાયન શો/દર્શન, શિકાર કે વનસંપત્તિની ચોરી જેવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આવા તત્વો સામે કાયદાકીય કડક જોગવાઈઓ હેઠળ આકરામાં આકરા પગલાં લેવામાં આવશે. જંગલની શાંતિ અને જૈવવિવિધતા જોખમાય નહીં તે માટે વન વિભાગ દ્વારા ચોવીસે કલાક પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
નાગરિકો અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને ડીસીએફની ખાસ અપીલ
જાહેર જનતાને અપીલ કરતાં ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે, વન્યજીવ અને વનસંપત્તિનું રક્ષણ એ સૌની સામૂહિક જવાબદારી છે. જો કોઈ વ્યક્તિ વન્યપ્રાણીની પજવણી, શિકાર, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કે લાકડાની ગેરકાયદે હેરફેર કરતો જણાય, તો તાત્કાલિક વન વિભાગની કચેરીનો સંપર્ક કરવો. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદે દર્શન કે પ્રતિબંધિત પ્રવેશ સંબંધિત કોઈ રીલ, ફોટો કે વીડિયો ધ્યાને આવે તો તેની જાણ પણ તુરંત વન વિભાગને કરવા અનુરોધ કરાયો છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
