મુખ્ય હાઇલાઇટ્સ:
- પોરબંદરમાં જાહેર કાર્યક્રમ દરમિયાન સૈયદ સમાજ અને તાજિયા વિશે અપમાનજનક ટિપ્પણી કરાતા રોષ.
- વક્તા અબ્દુલસતાર હામદાની (સતાર મૌલાના) વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવાઈ.
- વિવાદિત પ્રવચન યુ ટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરાયાનો આરોપ.
- વિડીયો ક્લિપ ધરાવતી પેન ડ્રાઈવ પુરાવા તરીકે પોલીસ સમક્ષ રજૂ કરી કડક સજાની કરાઈ માગ.
જાહેર મંચ પરથી સૈયદ સમાજ અને ધાર્મિક પ્રતીકો વિશે કરાઈ વિવાદિત ટિપ્પણી
પોરબંદર ખાતે તાજેતરમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સૈયદ સમાજ તેમજ ધાર્મિક પ્રતીકો (તાજિયા) વિરુદ્ધ અત્યંત નીચલા સ્તરની, અપમાનજનક અને સામાજિક સૌહાર્દ બગાડે તેવી ટિપ્પણી કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગત ૨૦ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે પોરબંદરના મેમણવાડા સ્થિત તાજુસરીયા હોલ ખાતે ‘હૈદરી યંગ કમિટી’ દ્વારા યોજાયેલા જાહેર કાર્યક્રમમાં વક્તા તરીકે અબ્દુલસતાર હામદાની ઉર્ફે ‘સતાર મૌલાના’ એ મંચ પરથી સમગ્ર સૈયદ સમાજ અને મોહરમના પવિત્ર તાજિયા વિશે અયોગ્ય શબ્દોનો પ્રયોગ કરી ધાર્મિક લાગણીઓને ભારે ઠેસ પહોંચાડી હતી.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં મુસ્લિમ સમાજમાં ભારે રોષ
આ સમગ્ર કાર્યક્રમનું વિડીયો અને ઓડીયો રેકોર્ડિંગ આરોપી દ્વારા પોતાની યુ ટ્યુબ ચેનલ ‘અબ્દુલ સતાર રઝવી’ પર લાઈવ અપલોડ કરવામાં આવ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયાના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ સમગ્ર ગુજરાત સહિત દેશભરના સૈયદ સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. જ્ઞાતિ અને ધાર્મિક આસ્થાનું અપમાન કરનારા વક્તા સામે તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી કરવાની માગ બુલંદ બની છે.
ડિજિટલ પુરાવા સાથે પોલીસ ફરિયાદ: કડક પગલાં ન લેવાય તો કોર્ટના દરવાજા ખટખટાવાશે
સૈયદ સમાજના અગ્રણીઓ અને પીડિત પક્ષ દ્વારા બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને જાહેર મંચ પરથી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ અબ્દુલસતાર હામદાની સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્રને લેખિત અરજી સોંપવામાં આવી છે. ફરિયાદની સાથે વિડીયો ધરાવતી પેન ડ્રાઈવ (ડિજિટલ પુરાવા) અને કાર્યક્રમના પોસ્ટર પણ રજૂ કરવામાં આવ્યા છે. પીડિત સમાજે સ્પષ્ટતા કરી છે કે જો તંત્ર દ્વારા આરોપી સામે કડક કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે, તો ન્યાય મેળવવા માટે નામદાર કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
