મુખ્ય હાઇલાઇટ્સ:
- ખેડૂતોમાં આનંદ: લાંબા વિરામ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા કપાસ, મગફળી અને તલ જેવા પાકોને નવજીવન મળ્યું છે.
- વરસાદના આંકડા: દસાડામાં સાડા ત્રણ ઇંચ, લખતરમાં બે ઇંચથી વધુ અને વઢવાણમાં બે ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે.
- શહેરી વિસ્તારમાં પાણી ભરાયા: રાજ હોટલ નજીકના અંડરબ્રિજમાં પાણી ભરાતા ૧૦૦થી વધુ વાહનો બંધ પડી ગયા અને એન્જિનને નુકસાન થયું.
- તંત્રની કામગીરી પર સવાલ: પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા, રતનપર, જોરાવરનગર અને ૮૦ ફૂટ રોડ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ.
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પાણીની અછત અને ગરમીના લીધે સુકાવા આવેલા કપાસ, મગફળી અને તલ જેવા મહત્વના કૃષિ પાકોને નવજીવન મળ્યું છે. ખાસ કરીને દસાડા તાલુકામાં સાડા ત્રણ ઇંચ, લખતરમાં બે ઇંચથી વધુ અને વઢવાણમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા અન્નદાતાઓમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે અને પાક નિષ્ફળ જવાની ચિંતાનો અંત આવ્યો છે.
એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, તો બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પ્રથમ વરસાદે જ તંત્રના વિકાસ અને પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરમાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના રાજ હોટલ નજીક આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે અચાનક ૧૦૦થી વધુ વાહનો બંધ થઈ ગયા હતા અને વાહનોના એન્જિન તેમજ સ્પેરપાર્ટ્સને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ ગંભીર સ્થિતિને જોતા ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી.
શહેરીજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે લાખો-કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતામાં પ્રથમ વરસાદ જ તંત્રની બેદરકારી છતી કરવા માટે પૂરતો સાબિત થયો છે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારની સોસાયટીઓ, વઢવાણ-સુરેન્દ્રનગર રોડ, અજરામાં ટાવર ચોક, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, મહાનગરપાલિકા કચેરી તેમજ જોરાવરનગર વિસ્તારની નવી સોસાયટીઓ અને ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ૮૦ ફૂટ રોડ પર પણ ઘુંટણસમા પાણી ભરાયા હતા. ડ્રેનેજ લાઈનો લોક થઈ જવાના કારણે આ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું સામે આવ્યું છે.
સ્થિતિની ગંભીરતાને જોતા સુરેન્દ્રનગર ડ્રેનેજ વિભાગની અલગ અલગ ટીમોને તાત્કાલિક કામે લગાડવામાં આવી છે. અધિકારી શુભમ મિશ્રાના જણાવ્યા અનુસાર, પાણીના ઝડપી નિકાલ માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે, જેથી શહેરીજનોને રાહત આપી શકાય.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
