મુખ્ય હાઇલાઇટ્સ:
- નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ, લીલીયાના ક્રિમિનલ કેસમાં બે વર્ષથી ફરાર આરોપી પકડાયો.
- અમરેલી મિલન ટ્રાન્સપોર્ટ પાસેથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સના આધારે કરાઈ સફળ ધરપકડ.
- એલસીબી અને પેરોલ ફર્લો ટીમની સંયુક્ત જહેમતથી આરોપીને ઝડપી પાડી લીલીયા પોલીસ સ્ટેશનને સોંપાયો.
ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર. વી. અસારી દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અને નામદાર કોર્ટોના પકડ વોરંટના કેસોના આરોપીઓને ઝડપી લેવા માટે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત એલસીબી અમરેલીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી. પી. વાઘેલાના માર્ગદર્શન અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન. જી. સાપરાના સીધા સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ સતત કાર્યરત હતી. ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સોર્સ મારફતે ચોક્કસ હકીકત મેળવી હતી, જેના આધારે તા. ૨૨/૦૭/૨૦૨૬ ના રોજ અમરેલી મિલન ટ્રાન્સપોર્ટ પાસેથી વોરંટમાં ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને આગળની ઘટતી કાર્યવાહી અર્થે લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો છે.
બે વર્ષથી હતો ફરાર
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કામના આરોપી શાહનવાજ આરીફભાઇ સીમાણી (ઉંમર વર્ષ- ૨૮, ધંધો- ડ્રાઇવિંગ, રહે. સંધિ સોસાયટી, જેલ પાછળ, અમરેલી) વિરુદ્ધ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ, લીલીયા ખાતે ફોજદારી કેસ નંબર ૫૦૩/૨૦૨૪ મુજબનો ગુનો નોંધાયેલ હતો. આ કેસમાં આરોપી છેલ્લા બે વર્ષથી પકડ વોરંટમાં નાસતો ફરતો હતો, જેને હાલ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી લીધો છે.
સરાહનીય કામગીરી કરનાર ટીમ
આ સફળ ઓપરેશન એલસીબી અમરેલીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી. પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન. જી. સાપરા, અનામત હેડ કોન્સ્ટેબલ એસ. કે. શેખ, હેડ કોન્સ્ટેબલ બી. બી. ચૌહાણ તથા આઈ.ટી. એક્સપર્ટ ધારાબેન ઠક્કર દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. પોલીસની આ સરાહનીય કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
