મુખ્ય હાઇલાઇટ્સ:
- સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ધારીના દામાણી હાઈસ્કૂલ ખાતે ભવ્ય આયોજન કરાયું.
- ઊર્જા અને કાયદા પ્રધાન કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતા તથા પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે થયો શુભારંભ.
- સમાજની પ્રગતિમાં વિશિષ્ટ યોગદાન આપનાર તબીબો, પીએચ.ડી. ધારકો, સાહિત્યકારો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું અદકેરું સન્માન કરાયું.
અમરેલી જિલ્લાના ધારી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના ઉપક્રમે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે એક ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ ઉત્સાહભેર યોજાઈ ગયો. ધારીની દામાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં જનપ્રતિનિધિઓ, સમાજ રત્નો અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્સાહભેર બિરદાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા અને કાયદા પ્રધાન કૌશિકભાઈ વેકરીયા અધ્યક્ષ સ્થાને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય અને ભવ્ય ઉદ્ઘાટન રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ વિક્રમભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હીરપરા, પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષભાઈ પરમાર સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભાણજીભાઈ બગડા ગુરુજી, પ્રદેશ મંત્રી શાંતિલાલ પરમાર અને જિલ્લા પ્રમુખ જીજ્ઞેશભાઈ દાફડાએ ભારે જહેમત ઉઠાવી હતી.
સમાજ રત્નો અને તેજસ્વી પ્રતિભાઓનું બહુમાન
સમાજની પ્રગતિ અને ઉત્થાનમાં અનોખું યોગદાન આપનાર ખ્યાતનામ ડૉક્ટરો, પીએચ.ડી. ડિગ્રી મેળવનાર તજજ્ઞો, સાહિત્યકારો, ભજનિકો અને સંતો-મહંતોનું આ મંચ પરથી અદકેરું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ઓર્થોપેડિક ક્ષેત્રે નામના મેળવનાર ડો. કેતન પરમાર, જીપીએસસી ક્લાસ-વન અને યુપીએસસી સુપર ક્લાસ-વનમાં પસંદગી પામેલ ડો. ભાર્ગવ શાંતિલાલ પરમાર, મેડિસિનમાં ગોલ્ડ મેડલ મેળવી ફિઝિશિયન તરીકે સેવા આપનાર ડો. કોમલ ખુમાણનું સન્માન કરાયું હતું.
આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે ખ્યાતનામ ગઝલકાર, કવિ અને પીએચ.ડી. ધારક ડો. સ્નેહી હરિભાઈ પરમાર, શ્રેષ્ઠ સારસ્વત એવોર્ડ વિજેતા ડો. મહેશભાઈ દાફડા, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ઉમેશભાઈ ચાવડા અને સુપ્રસિદ્ધ ભજનિક હેમંતભાઈ પરમારને પણ બિરદાવવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજેતા બનેલા જનપ્રતિનિધિઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુપ્રસિદ્ધ ભજનિક હેમંતભાઈ પરમાર દ્વારા પ્રસ્તુત કરાયેલા મધુર ભજનોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું આકર્ષક સંચાલન ડો. સ્નેહી પરમાર અને ઉમેશભાઈ ચાવડા દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
