મુખ્ય હાઇલાઇટ્સ:
- કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું: નીટ પેપર લીક કાંડ અને શિક્ષણ તંત્રની નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે.
- વિદ્યાર્થી આંદોલન પર દમન અને દીકરીનું મૃત્યુ: દિલ્હીના જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પરના સરકારી દમન અને એક નિર્દોષ મધ્યમવર્ગીય દીકરીના કરુણ અવસાન મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાંની માંગ કરાઈ છે.
- જવાબદારો સામે કડક કાનૂની સકંજો: માત્ર નાના કસૂરવારોને પકડવાના નાટકો કરવાને બદલે પરીક્ષા કૌભાંડના સીધા જવાબદારો અને શાસકપક્ષના સમર્થકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
- શિક્ષણનું વ્યાપારીકરણ અટકે: શિક્ષણ પ્રણાલીમાં વધતા જતા વ્યાપારીકરણ અને બાહ્ય હસ્તક્ષેપને રોકીને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પારદર્શક શિક્ષણ પૂરું પાડવામાં આવે.
- શિક્ષણ વ્યવસ્થાનું પુનર્ગઠન: શૈક્ષણિક સંસ્થાઓ અને પરીક્ષાઓની પવિત્રતા જળવાઈ રહે તથા રાજકીય હસ્તક્ષેપ મુક્ત પારદર્શક વ્યવસ્થા ઊભી કરવા માટે શિક્ષણ પ્રણાલીનું તાત્કાલિક પુનર્ગઠન કરવામાં આવે.
અમરેલી:
દેશભરમાં ચકચાર જગાવનાર નીટ પેપર લીક પ્રકરણ અને તેના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નગરજનો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સંદર્ભે કેન્દ્ર સરકારના સંબંધિત શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સમગ્ર કૌભાંડમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ આંદોલન અને આવેદનપત્ર દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા દેશના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પાંચ મુખ્ય મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો દેશના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ ભ્રષ્ટ વ્યવસ્થા સામે સત્વરે યોગ્ય પગલાં નહીં ભરાય, તો આગામી દિવસોમાં લોકશાહીઢબે ઉગ્ર આંદોલન વધુ વ્યાપક બનાવવામાં આવશે
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
