મુખ્ય હાઇલાઇટ્સ:
- કુલ મુદ્દામાલ: ૩ અલગ-અલગ દરોડામાં રૂ. ૭,૭૧,૮૧૦ ની કિંમતનો દારૂ, બિયર અને વાહનો કબજે.
- ઝડપાયેલ આરોપીઓ: આશીફ ઉર્ફે સીકંદર મુસ્લા (ધાનેરા), ભાવેશ ડાભી (જામનગર), ઓમદેવસિંહ રાણા અને દેવરાજ સોટીયા (લીંબડી).
- પ્રથમ દરોડો (કચોલીયા બોર્ડ): કિયા કારમાંથી ૧૨૯૬ દારૂના ચપલા અને ૩૩૬ બિયરના ટીન ઝડપાયા.
- બીજો દરોડો (ચોટીલા હાઈવે): સુઝુકી એક્સેસ સ્કૂટર પરથી ૧૨૦ બિયરના ટીન સાથે ૨ શખ્સો ઝડપાયા.
- ત્રીજો દરોડો (લીંબડી જીઆઈડીસી): દારૂની બોટલ અને બાઈક સાથે ૧ શખ્સની અટકાયત.
- મુખ્ય સપ્લાયર: રાજસ્થાનના સાંચોરથી દારૂ મોકલનાર જયેશ પરમાર સામે પણ તપાસ શરૂ.
વિરમગામ-માલવણ હાઈવે, ચોટીલા હાઈવે અને લીંબડી જીઆઈડીસી પાસે પોલીસનો કડક સપાટો, દારૂ-બિયરના મોટા જથ્થા સાથે વાહનો કબજે કરાયા
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. વિરમગામ-માલવણ હાઈવે પર કચોલીયા પાસે, ચોટીલા હાઈવે પર સાંગાણીના બોર્ડ પાસે અને લીંબડી જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે સફળ દરોડા પાડીને ૩ અલગ-અલગ દરોડામાં ૪ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી દારૂ, બિયર, મોબાઈલ, કાર અને સ્કૂટર સહિત કુલ રૂ. ૭,૭૧,૮૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
કિયા કારમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર એલસીબી પીએસઆઈ આર. જે. ગોહીલ, અરવિંદસિંહ, સંજયભાઈ, મેહુલભાઈ સહિતની ટીમે દસાડા તાલુકામાં પેટ્રોલીંગ દરમિયાન વિરમગામથી બજાણા તરફ કિયા કારમાં દારૂ પસાર થવાની ચોક્કસ બાતમી આધારે કચોલીયા ગામના બોર્ડ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કારને રોકી તપાસ કરતાં તેમાંથી દારૂના ૧૨૯૬ ચપલા અને બિયરના ૩૩૬ ટીન મળી આવ્યા હતા.
પોલીસે કારચાલક આશીફ ઉર્ફે સીકંદર રસુલભાઈ મુસ્લા (રહે. ધાનેરા, બનાસકાંઠા) ની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ દારૂ રાજસ્થાનના સાંચોરના જયેશ પરમારે ભરી આપ્યો હતો. પોલીસે આશીફની ધરપકડ કરી દારૂ, બિયર, મોબાઈલ અને કાર સહિત રૂ. ૬,૭૨,૯૯૦ નો મુદ્દામાલ જપ્ત કરી બજાણા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.
ચોટીલા હાઈવે અને લીંબડીમાંથી અન્ય આરોપીઓ ઝડપાયા
બીજી તરફ એલસીબી ટીમના કુલદીપભાઈ બોરીચા અને તેમની ટીમે ચોટીલા હાઈવે પર સાંગાણી ગામના બોર્ડ પાસે વોચ રાખીને સ્કૂટર પર બિયર લઈને જતા ભાવેશ ધનજીભાઈ ડાભી (રહે. જામનગર) અને ઓમદેવસિંહ અરવિંદસિંહ રાણાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી બિયરના ૧૨૦ ટીન, મોબાઈલ અને સુઝુકી એક્સેસ સ્કૂટર સહિત રૂ. ૭૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, લીંબડી જીઆઈડીસી પાસેથી પણ પોલીસે કબીર આશ્રમ પાછળ ભરવાડ નેશમાં રહેતા દેવરાજ વાલાભાઈ સોટીયાને દારૂની ૧ બોટલ, બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ. ૨૫,૮૫૦ ના મુદ્દામાલ સાથે અટકાયતમાં લીધો હતો.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
