મુખ્ય હાઇલાઇટ્સ:
- દ્વારકાના કલ્યાણપુર પંથકમાંથી માલધારીઓ અને ખેડૂતો પશુઓ સાથે હિજરત કરવા મજબૂર બન્યા હોવાનો આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનો દાવો.
- મહારાષ્ટ્રની સરકારે દુષ્કાળ જાહેર કર્યો તો ગુજરાત સરકાર રાહત નાણાં અને ઘાસચારાની સહાય આપતી વખતે કેમ ખચકાય છે? – વિપક્ષનો સવાલ.
- ઉદ્યોગપતિઓને ટોકન ભાવે જમીનો આપતી સરકાર પાસે ખેડૂતો, બિયારણ, સિંચાઈ અને ઘાસચારાની વ્યાજબી માંગણી કરી રહ્યા છે.
- “અમને કોઈ ક્રેડિટ નથી જોઈતી, બધી જ ક્રેડિટ ભાજપ લે પણ તુરંત ખેડૂતોના ખાતામાં રાહતના નાણાં જમા કરે.”
દ્વારકાના કલ્યાણપુરથી માલધારીઓની હિજરત; આપ પ્રદેશ પ્રમુખના સરકાર પર આકરા પ્રહારો
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યમાં સર્જાયેલી વિષમ પરિસ્થિતિ અને ખેડૂતોની ગંભીર પીડાને વાચા આપતાં શાસક ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાંથી ખેડૂતો અને માલધારીઓ પોતાના પશુઓને લઈને ઘરબાર છોડી હિજરત કરવા મજબૂર બન્યા છે. છેલ્લા દોઢ-બે મહિનાથી ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ આશા નજરે જોઈ રહ્યા છે, પરંતુ ભાજપની અહંકારી સરકાર માત્ર પોલા આશ્વાસનો અને મીડિયા સમક્ષ નિવેદનો આપવા સિવાય કંઈ જ કરી રહી નથી. ખેડૂતોના ઘરમાં ખાવા માટે અનાજ નથી અને પશુઓ માટે ઘાસચારો નથી, છતાં સરકાર કોઈ યોગ્ય નિર્ણય લેતી નથી.
મહારાષ્ટ્રની ભાજપ સરકાર દુષ્કાળ જાહેર કરી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં?
ઇસુદાન ગઢવીએ આક્રોશ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર પોતાના રાજ્યમાં દુષ્કાળ જાહેર કરી દે છે, તો પછી ગુજરાતની સરકારને દુષ્કાળ જાહેર કરવામાં કેમ પેટમાં દુખે છે? આ નાણાં કઈ ભાજપના નેતાઓ કે મંત્રીઓએ પોતાના ખિસ્સામાંથી આપવાના નથી, પરંતુ આ રાજ્યની જનતાના જ ટેક્સના પૈસા છે. ખેડૂતો રસ્તા પર પશુઓ સાથે ભટકી રહ્યા છે અને નેતાઓ એસી ચેમ્બરો, હેલિકોપ્ટરો અને ચાર્ટર પ્લેનોમાં ફરીને નિવેદનબાજી કરી રહ્યા છે તે અત્યંત શરમજનક છે. જો સરકાર ખેડૂતોને આ મુશ્કેલ સમયમાં ન્યાય ન આપી શકતી હોય તો તેમને સત્તા પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
ઉદ્યોગપતિઓને રાહત અને ખેડૂતો સામે ઉપેક્ષા; તુરંત રાહત આપવા માંગ
સરકારની નીતિઓ પર પ્રહારો કરતા તેમણે ઉમેર્યું હતું કે કેબિનેટ બેઠકો યોજીને ઉદ્યોગપતિઓને એક રૂપિયાના ટોકન ભાવે જમીનો આપી દેવામાં આવે છે, જ્યારે ખેડૂતો પોતાની હકના સહાય માટે વલખાં મારી રહ્યા છે. અમે કોઈ મર્સિડીઝ ગાડીઓ કે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર નથી માંગતા, માત્ર પાક નુકસાની, બિયારણ, સિંચાઈ અને ઘાસચારા માટે જરૂરી રાહત રકમ માંગીએ છીએ. અમને આ લડાઈની કોઈ ક્રેડિટ નથી જોઈતી, તમામ ક્રેડિટ સરકાર જ લઈ લે પણ વિલંબ કર્યા વિના રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી તમામ પીડિત ખેડૂતોના ખાતામાં સીધા રાહતના નાણાં જમા કરાવવામાં આવે.
અહેવાલ: ચેતન રાજપૂત
