મુખ્ય હાઇલાઇટ્સ:
- સફળ રેઈડ: બગસરા ટાઉન-હામાપુર રોડ પરથી ઈનોવા કારમાં દારૂની હેરાફેરી પકડાઈ.
- મુદ્દામાલ: ૧૦૦૦ લીટર દેશી દારૂ અને કાર મળી કુલ ૬.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત.
- ગુનાહિત ઈતિહાસ: ઝડપાયેલો આરોપી રવુભાઈ શાખ અગાઉ હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું.
- ફરાર આરોપીઓ: ત્રણ અન્ય શખ્સો વોન્ટેડ જાહેર, પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ.
- પોલીસ ટીમ: બગસરા પોલીસના સ્ટાફે આ સરાહનીય કામગીરી કરી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવી.
૨ લાખનો દારૂ અને ૪.૫૦ લાખની કાર સહિત કુલ ૬.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત, અન્ય ત્રણ આરોપી ફરાર
અમરેલી જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લા પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી અને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ, ધારી ડીવાયએસપી જયવીર ગઢવીની સૂચના મુજબ બગસરા પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. બગસરાના ટાઉન-હામાપુર રોડ પરથી પોલીસે ઈનોવા કારમાં દેશી દારૂનો મોટો જથ્થો હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીધો છે.
બગસરા પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગોલવેલકરની રાહબરી હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ઈનોવા કાર (રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૬-એપી-૮૫૭૫) ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ૧,૦૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ૨ લાખ રૂપિયા થાય છે. પોલીસે દારૂ અને ૪.૫૦ લાખની કાર મળી કુલ ૬.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં રવુભાઈ નનકાભાઈ શાખ (રહે. તાઈવદર, તા. બાબરા) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઈતિહાસ તપાસતા તે બાબરા અને આટકોટ પોલીસ સ્ટેશનના ગુનાઓ ઉપરાંત અમદાવાદના હત્યાના કેસમાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ રેઈડ દરમિયાન પ્રકાશભાઈ ભુપતભાઈ વાઘેલા (રહે. આંબાગાળા), દીપુભાઈ ઓઢાભાઈ સાભાડ (રહે. ભરડ) અને અફજલ લાખાણી (રહે. ગોંડલ) નામના ત્રણ આરોપીઓ ફરાર હોવાનું જાહેર થયું છે. બગસરા પોલીસે આ તમામને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. બગસરા પોલીસની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
