મુખ્ય હાઇલાઇટ્સ:
- નબળી કામગીરી: જીરા રેલ્વે સ્ટેશનના નવા બનેલા પ્લેટફોર્મમાં ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા.
- સાંસદનું કડક વલણ: સ્થળ પર પહોંચીને સાંસદ ભરત સુતરીયાએ નબળું કામ તોડી નવું બનાવવા આદેશ આપ્યો.
- એજન્સીને બ્લેકલિસ્ટની સૂચના: ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર એજન્સી સામે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ.
- અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ: નબળું કામ હોવા છતાં ચૂકવણી કરી દેતા અધિકારીઓની સંડોવણી પર સવાલો ઉઠ્યા.
- લોકરોષ: કરોડો રૂપિયાના વિકાસ કામોમાં પ્રજાના પૈસા વેડફાતા લોકોમાં ભારે નારાજગી.
૬ કરોડના વિકાસ કામોમાં નબળી ગુણવત્તાના પ્લેટફોર્મને તોડી નવું બનાવવા સૂચના, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે રોષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ટનાટન રેલ્વે સ્ટેશન’ બનાવવાના સ્વપ્નને અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા રેલ્વે સ્ટેશન પર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કથિત મિલીભગતને કારણે મોટો ફટકો પડ્યો છે. થોડા મહિના પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રેલ્વે પ્લેટફોર્મમાં નબળી ગુણવત્તાની કામગીરી સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે અમરેલીના સાંસદ ભરત સુતરીયાને લેખિત રજૂઆત કરી હતી.
રજૂઆતને ગંભીરતાથી લઈને સાંસદ ભરત સુતરીયા પોતે જ જીરા રેલ્વે સ્ટેશન પર સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન સાંસદની નજર સમક્ષ જ નબળી કામગીરીનો પર્દાફાશ થયો હતો. ૬ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો અંતર્ગત કરવામાં આવેલા આ પ્લેટફોર્મના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે કર્યો છે. તેમનો આક્ષેપ છે કે કામ નબળું હોવા છતાં જવાબદાર અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને બીલની ચુકવણી કરી દીધી છે, જે અધિકારીઓની સંડોવણી તરફ ઈશારો કરે છે.
સાંસદ ભરત સુતરીયાએ સ્થળ પર જ કડક વલણ અપનાવતા સંબંધિત રેલ્વે અધિકારીઓને તાકીદ કરી હતી કે, જે નબળું કામ થયું છે તેને તોડીને ફરીથી નવું કામ કરવામાં આવે. આ સાથે જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા છે. સાંસદ સુતરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશના રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે પ્રજાના પૈસા વેડફાતા હવે સહન કરવામાં આવશે નહીં.
જીરા રેલ્વે સ્ટેશનના આ મામલે હવે રેલ્વે તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને ભ્રષ્ટ એજન્સી સામે શું પગલાં લેવાય છે, તે જોવું રહ્યું. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં તંત્રની કાર્યપદ્ધતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
