મુખ્ય હાઇલાઇટ્સ:
- કમકમાટીભર્યું મોત: રોડ કિનારે પંચર થયેલું ટાયર બદલી રહેલા કેરીની ગાડીના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
- બેફામ ટાટા પંચ કાર: પુરપાટ ઝડપે આવી રહેલી ટાટા પંચ કારના ચાલકે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો.
- આરોપી ફરાર: અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો.
- પોલીસ એક્શન: સાણંદ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી.
ટાયર બદલતી વખતે કાળ આંખે વળગ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, કેરી ભરીને જઈ રહેલી એક ગાડીનું ટાયર સાણંદ બાયપાસ રોડ પર પંચર થઈ ગયું હતું. આથી ગાડીનો ચાલક રોડની એક બાજુએ વાહન ઊભું રાખીને તેનું ટાયર બદલી રહ્યો હતો. બરાબર આ જ સમયે પાછળથી યમદૂત બનીને આવી રહેલી એક ટાટા પંચ કારના ચાલકે પોતાના વાહનની ઝડપ પર પર કાબૂ ગુમાવ્યો હતો અને ટાયર બદલી રહેલા ચાલકને અડફેટે લીધો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.
અકસ્માત સર્જી કાર ચાલક રફુચક્કર
અકસ્માતની આ ભયાનક ઘટના બાદ આસપાસના લોકો એકઠા થાય તે પહેલા જ નરાધમ કાર ચાલક ઈજાગ્રસ્તની મદદ કરવાને બદલે પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આ દ્રશ્ય જોઈને સ્થાનિકોના કાળજા કંપાયા હતા.
પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ આદરી
ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આ મામલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફરાર આરોપીનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કરાયા છે અને તેને ટૂંક સમયમાં જ જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે.
બેફામ વાહન ચલાવનારાઓને પોલીસની કડક ચેતવણી
આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા તમામ વાહન ચાલકોને આકરી ચેતવણી આપવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે હાઈવે અને બાયપાસ પર બેફામ ઝડપ, ઓવરટેકિંગ, બેદરકારી અને નશાની હાલતમાં વાહન ચલાવવું એ ગંભીર ગુનો છે. આવી બેદરકારીને કારણે જો કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જશે, તો આરોપી વિરુદ્ધ કાયદાની સૌથી કડક કલમો હેઠળ ગુનો નોંધીને કડકથી કડક સજાની જોગવાઈ કરવામાં આવશે.
અહેવાલ : ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
