donald trump
વોશિંગ્ટન/તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે ભલે અત્યારે યુદ્ધવિરામ જેવી સ્થિતિ હોય, પરંતુ તાજેતરમાં સામે આવેલા સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણે દુનિયાને હચમચાવી દીધી છે. અત્યાર સુધી અમેરિકા જે નુકસાનને સામાન્ય બતાવી રહ્યું હતું, તે હકીકતમાં અત્યાર સુધીના સૌથી ઘાતક હુમલા સાબિત થયા છે. સેટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ થયું છે કે ઈરાને મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકોના આશરે ૨૨૮ જેટલા અત્યંત મોંઘા અને મહત્વના સૈન્ય ઉપકરણોને કાટમાળમાં ફેરવી દીધા છે.
ઈરાને આ હુમલાઓમાં માત્ર મિલિટરી બેઝની ઇમારતોને જ નિશાન બનાવી નથી, પરંતુ અમેરિકાના સંચાર અને સુરક્ષા તંત્રની કરોડરજ્જુ ગણાતી ‘ડિજિટલ નર્વસ સિસ્ટમ’ પર સીધો પ્રહાર કર્યો છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એર બેઝ પર ઈંધણ ભરનારા ટેન્કર અને E-3 સેન્ટ્રી એરક્રાફ્ટને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, કુવૈત અને બહેરીનમાં તૈનાત અત્યંત આધુનિક પેટ્રિયોટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તેમજ જોર્ડન અને UAE માં તૈનાત થાડ (THAAD) રડાર ઉપકરણોને પણ ઈરાની મિસાઈલોએ નિશાન બનાવ્યા છે. કતારના અલ-ઉદેદ એર બેઝ પરના મહત્વપૂર્ણ સેટેલાઇટ સંચાર કેન્દ્રો પણ આ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયા છે.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ, અમેરિકન વહીવટીતંત્રે પોતાની જનતા અને દુનિયા સામે નુકસાનના આંકડા ઓછા કરીને બતાવ્યા હતા. જમીની હકીકત એ છે કે બહેરીનમાં સ્થિત અમેરિકન નૌસેનાના ૫મા કાફલાના મુખ્યાલય અને કુવૈતના ત્રણ મુખ્ય મથકો પર અડધાથી વધુ નુકસાન થયું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૭ અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે અને ૪૦૦થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈરાને જાણીજોઈને એવા સ્થળો પસંદ કર્યા જ્યાં ડેટા પ્રોસેસિંગ અને પાવર સિસ્ટમ હતી, જેથી રડાર સુરક્ષિત હોવા છતાં તેને ચલાવનારી સિસ્ટમ નકામી બની જાય.

પેન્ટાગોને સત્તાવાર રીતે ૨૫ બિલિયન ડોલરના નુકસાનની વાત કરી છે, પરંતુ સંરક્ષણ નિષ્ણાતો અને ગુપ્ત સ્ત્રોતોનું માનવું છે કે વાસ્તવિક આર્થિક ફટકો ૪૦ થી ૫૦ બિલિયન ડોલર (આશરે ૪ લાખ કરોડ રૂપિયા) ની આસપાસ છે. આટલી મોટી તબાહીને કારણે અમેરિકાને અનેક મથકો પર પોતાનો સ્ટાફ ઘટાડવાની ફરજ પડી છે. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વાતચીત દ્વારા શાંતિ સ્થાપવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઈરાની હુમલાઓની આ તીવ્રતાએ અમેરિકાની સૈન્ય તાકાત સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.
