મુખ્ય હાઇલાઇટ્સ:
- મોટી સફળતા: નાગેશ્રી પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને લીલીયા પોલીસે દબોચ્યો.
- આંતરરાજ્ય ઓપરેશન: ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી રાજસ્થાનના જોધપુર સીટી ખાતેથી આરોપીની ધરપકડ.
- કાયદાકીય કલમો: ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની ગંભીર કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો.
- ઉચ્ચ નિર્દેશ: ભાવનગર રેન્જ આઈજીપી અને અમરેલી એસપીની સાયબર ગુનેગારોને પકડવાની ઝુંબેશ અંતર્ગત મળી સફળતા.
રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાની સાયબર ગુનેગારો સામે લાલ આંખ
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી નાઓ દ્વારા રેન્જના જિલ્લાઓમાં સાયબર ફ્રોડના ગુનાઓ આચરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશના પગલે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.સાળુંકે અને તેમની ટીમને સાયબર ગુનાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી.
જોધપુર સીટીમાંથી સાયબર ફ્રોડનો આરોપી ઝડપાયો
નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટની કલમ ૬૬ (સી) અને ૬૬ (ડી) મુજબના સાયબર ફ્રોડના ગંભીર ગુનાનો એક આરોપી પોલીસને હાથતાળી આપીને નાસતો ફરતો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.સાળુંકેના નેતૃત્વમાં પોલીસે આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસની એક ખાસ ટીમે રાજસ્થાનના જોધપુર સીટી ખાતે દરોડો પાડીને આરોપી સાજીદ મહમ્મદ અયુબ ભાટી (ઉંમર વર્ષ ૨૦, રહે. સરકારી સ્કૂલની સામે, ઉદય મંદિર આસન, જોધપુર સીટી, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ
રાજસ્થાન સુધી લંબાયેલા આ સફળ આંતરરાજ્ય ઓપરેશનને લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.સાળુંકે, હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઇ મંગળુભાઇ લાલુ, પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઇ છગનભાઇ બગડા, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપભાઇ ધીરૂભાઇ પરમાર તેમજ આઇટી એક્સપર્ટ સપનાબેન ધરાજીયા દ્વારા ખૂબ જ કુનેહપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
