મુખ્ય હાઇલાઇટ્સ:
- છેલ્લા ૨૪ કલાકમાં ગુજ૨ાતના ૧૫૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, ૧૨ તાલુકાઓમાં ૨ થી ૬ ઈંચ સુધીનો ભારે વરસાદ.
- મોરબીના માળિયામાં સર્વાધિક ૫.૧૬ ઈંચ અને બનાસકાંઠાના દાંતામાં ૩.૫૮ ઈંચ વરસાદ નોંધાયો.
- અમદાવાદમાં વહેલી સવારે ૨ કલાકમાં અઢી ઈંચ વરસાદથી જળબંબાકાર, અખબારનગર અંડરપાસ બંધ કરાયો અને વાસણા બેરેજના ૧૪ દરવાજા ખોલાયા.
- હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ વોર્નિંગ જાહેર.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં મેઘરાજાની હાજરી, ૧૨ તાલુકામાં ભારે વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સવારે ૬ વાગ્યાથી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન રાજ્યના કુલ ૧૫૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન ૧૨ તાલુકાઓ એવા છે જ્યાં ૨ થી લઈને ૬ ઈંચ સુધીનો મુસળધાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મોરબીના માળિયામાં ૫.૧૬ ઈંચ (૧૩૧ મીમી) અને બનાસકાંઠાના દાંતામાં ૩.૫૮ ઈંચ (૯૧ મીમી) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પાટણના શંખેશ્વરમાં ૩.૩૫ ઈંચ, દેવભૂમિ દ્વારકામાં ૨.૮ ઈંચ, મહેસાણાના બેચરાજીમાં ૨.૫૬ ઈંચ અને બનાસકાંઠાના અમીરગઢમાં ૨.૪૮ ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીના મોડાસા, ખેડાના મહેમદાબાદ તથા ગાંધીનગરના દહેગામમાં ૨.૨૮-૨.૨૮ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાલનપુર અને રાધનપુરમાં ૨.૧૭ ઈંચ તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ૨.૦૯ ઈંચ વરસાદ થયો છે.
અમદાવાદમાં વહેલી સવારથી તોફાની બેટિંગ, ૨ કલાકમાં અઢી ઈંચ વરસાદથી જળબંબાકાર
૨૪ કલાકના આંકડા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજાએ પુનઃ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમાં સવારે ૬ થી ૮ વાગ્યા સુધીના માત્ર ૨ કલાકના ગાળામાં જ અઢી ઈંચ (૬૨.૫૧ મીમી) જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે પ્રહલાદનગર, સેટેલાઈટ, બોપલ, હાટકેશ્વર, મણિનગર અને ખોખરા સહિતના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારે પાણી ભરાવાના કારણે સાવચેતીના ભાગરૂપે અખબારનગર અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે તેમજ સાબરમતી નદીના વાસણા બેરેજના ૧૪ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
જિલ્લાવાર પરિસ્થિતિ અને હવામાન વિભાગની રેડ તેમજ ઓરેન્જ વોર્નિંગ
હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ રાજ્યના વિવિધ પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં રેડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં બપોર સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
