મુખ્ય હાઇલાઇટ્સ:
- લાંચિયો કર્મચારી: ઉના એસ.ટી. ડેપોના કંડક્ટર મનીષભાઈ મગનલાલ કાનાબારની ધરપકડ.
- ગુનાનું કારણ: મચ્છીના પાર્સલ પહોંચાડવાના બદલામાં પાર્સલ દીઠ ૧૦૦ રૂપિયા લેખે કુલ ૨,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી.
- સ્થળ: ઉનાના દેલવાડા રોડ પર સીટી બસ સ્ટેશન પાસે એસીબીએ ટ્રેપ ગોઠવી.
- એસીબીની કામગીરી: ફરિયાદીની ફરિયાદ બાદ એસીબીએ લાંચની રકમ સાથે આરોપીને રંગેહાથ ઝડપી લીધા.
- તપાસનો દોર: ગીર સોમનાથ એસીબી દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી.
એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેપ, ૨૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા કંડક્ટર રંગેહાથ ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એસ.ટી. તંત્રમાં ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઉના એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર મનીષભાઈ મગનલાલ કાનાબારને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે. આ કાર્યવાહીના કારણે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઘટનાની વિગત મુજબ, ફરિયાદીના મચ્છીના પાર્સલ જખૌ-દીવ એસ.ટી. બસમાં આવતા હતા. આ પાર્સલ નિયમિત રીતે પહોંચાડવાના બદલામાં કંડક્ટર મનીષભાઈ કાનાબારે પાર્સલ દીઠ ૧૦૦ રૂપિયા લેખે કુલ ૨,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ગીર સોમનાથ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપનું આયોજન કર્યું હતું. તા. ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ ઉનાના દેલવાડા રોડ પર આવેલા સીટી બસ સ્ટેશન સ્ટોપ પાસેના ચાર થાંભલા નજીક આરોપી કંડક્ટરે ફરિયાદી પાસેથી ૨,૦૦૦ રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે એસીબીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને કંડક્ટરને લાંચની રકમ સાથે ઝડપી લીધા હતા.
આ સફળ ટ્રેપ ગીર સોમનાથ એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી. વાળા અને તેમની ટીમે કરી હતી. આ સમગ્ર કામગીરી જૂનાગઢ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.કે. ગમારના સુપરવિઝન હેઠળ અને રાજકોટ એસીબીના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. હાલ એસીબી દ્વારા આરોપી કંડક્ટર સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ.મહેશભાઈ જળું
