મુખ્ય હાઇલાઇટ્સ:
- પાલિતાણા નગરપાલિકાના ગ્રાઉન્ડમાંથી કચરો એકત્ર કરવાની ૩ અશોક લેલેન્ડ ગાડીઓની થઈ હતી ચોરી.
- ભાવનગર એલસીબીએ ગાંધીનગર રોડ પર વોચ ગોઠવી મધ્યપ્રદેશની તસ્કર ત્રિપુટીને દબોચી.
- ચોરાઉ વાહનો મધ્યપ્રદેશ લઈ જઈ વેચી મારવાની ફિરાકમાં હતા આરોપીઓ.
- પોલીસે રૂ. ૨૫ લાખથી વધુની કિંમતના વાહનો કબ્જે કરી આરોપીઓને પાલિતાણા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી.
પાલિતાણા નગરપાલિકાના કમ્પાઉન્ડમાંથી ૩ વાહનોની ચોરીથી ખળભળાટ
પાલિતાણા ખાતે જૂની મુક્તિ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી પાલિતાણા નગરપાલિકાની કચરો એકત્ર કરવાની ૩ અશોક લેલેન્ડ કંપનીની ગાડીઓ તાજેતરમાં કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી નાસી છૂટ્યા હતા. નગરપાલિકાના વાહનોની સરેઆમ ચોરી થતાં જ સ્થાનિક પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો સામે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો.
એલસીબીની સઘન વોચ; ગાંધીનગર રોડ પરથી ઝડપાઈ તસ્કર ત્રિપુટી
આ ચોરીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા ભાવનગર રેન્જ આઈજી અને ભાવનગર એસપીની કડક સૂચના મુજબ ભાવનગર એલસીબીની અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવવામાં આવી હતી. તપાસ દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી થયેલી ત્રણેય ગાડીઓ ગાંધીનગર તરફ લઈ જવામાં આવી રહી છે. બાતમીના આધારે એલસીબી ટીમે ગાંધીનગર રોડ પર વિશિષ્ટ વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી ત્રણેય કચરાની ગાડીઓને અટકાવી તેમાં સવાર ત્રણ શખ્સોની કડક પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને વાહનો ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
મધ્યપ્રદેશના આરોપીઓની ધરપકડ; આગળની કાર્યવાહી હાથ ધરાઈ
પોલીસે ચોરીના આ ગુનામાં સંડોવાયેલા અનિલ બાબુભાઈ ડામોર, કરન કૈલાશભાઈ ગરવાલ અને અરવિંદ પુનમસીંગ બાંભોર (તમામ રહે. જાબુઆ જિલ્લો, મધ્યપ્રદેશ) નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ આ વાહનો ચોરી કરીને મધ્યપ્રદેશમાં વેચી મારવાની ફિરાકમાં હતા. પોલીસે અંદાજે રૂ. ૨૫ લાખથી વધુની કિંમતના ત્રણેય વાહનો જપ્ત કર્યા છે. આ તસ્કરો અગાઉ પણ આવા વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ આદરી તેમને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે પાલિતાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
