મુખ્ય હાઇલાઇટ્સ:
- અમદાવાદ ગ્રામ્યના ધોળકા, સાણંદ, વિરમગામ અને બાવળા તાલુકામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત.
- બદરખા અને ચલોડામાં ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકોમાં રોષ, સરખેજ હાઈવે બંધ થતાં વાહનચાલકો અટવાયા.
- વિરમગામમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી.
- કોઠ પોલીસે રૂ. ૪.૩૨ લાખના વિદેશી દારૂ સાથે અમરેલીના શખ્સને ઝડપ્યો, રૂ. ૮.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત.
- બાવળા પોલીસે સાણંદના જુવાલ ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી; સાણંદમાંથી સ્કૂટરમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા.
વરસાદી પાણી ભરાતા સરખેજ હાઈવે બંધ અને તંત્ર સામે સ્થાનિકોનો ભારે આક્રોશ
અમદાવાદ ગ્રામ્યના ધોળકા, સાણંદ, વિરમગામ અને બાવળા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું છે. ધોળકા તાલુકાના બદરખા અને ચલોડા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સરખેજ હાઈવે બંધ થઈ જતાં વાહનચાલકો અને પદયાત્રીઓ કલાકો સુધી અટવાયા હતા. સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે પાણીના નિકાલ માટે માત્ર પંપ મૂકીને બીલો જ બનાવવામાં આવે છે પણ સ્થિતિ જસની તસ રહે છે. આ મામલે કલેક્ટર અને ડીડીઓની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ધોળકા અને વિરમગામમાં જળબંબાકારની સ્થિતિ, પાલિકાની કામગીરી પર સવાલો
ધોળકા શહેરમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખુદ પાલિકા પ્રમુખના વોર્ડમાં પણ ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં તીવ્ર અસંતોષ ફેલાયો છે. દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ ન લાવવામાં આવતો હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. બીજી તરફ વિરમગામમાં માત્ર દોઢ ઈંચ વરસાદ પડતાં જ સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માંડલ રોડ અને શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી.
કોઠ પોલીસે કારમાંથી રૂ. ૪.૩૨ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, વીજ વાયરની ચોરીનો ગુનો પણ નોંધાયો
એક તરફ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ ગ્રામ્ય પોલીસે દારૂના દૂષણ વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. કોઠ પોલીસે એક કારમાંથી રૂ. ૪.૩૨ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને અમરેલીના એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. ૮.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તથા દારૂ મંગાવનાર અને ભરી આપનાર અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઉપરાંત કોઠ ગામની સીમમાંથી રૂ. ૩.૪૪ લાખની કિંમતના વીજ વાયરની ચોરી થતાં અજાણ્યા તસ્કરો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
સાણંદ અને જુવાલ ગામમાં દારૂની ભઠ્ઠી તથા હેરાફેરી પર પોલીસનો દરોડો
બાવળા પોલીસે મધ્ય ગુનો નોંધીને સાણંદ તાલુકાના જુવાલ ગામમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૫૦ લિટર વોશ, ૧૦ લિટર કાચો અને ૧૦ લિટર પાકો દેશી દારૂ મળી કુલ વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક મહિલા બુટલેગરની અટકાયત કરી છે. આ સિવાય સાણંદ શહેરમાં એક્ટિવા સ્કૂટર પર દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સોને પોલીસે દારૂની ૧૩ બોટલ અને બે એક્ટિવા મળી રૂ. ૧.૧૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
