મુખ્ય હાઇલાઇટ્સ:
- મોટી સફળતા: કામરેજના હલધરૂ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર એ.સી.બી.ના ડિકોય છટકામાં પકડાયા.
- લાંચની રકમ: નવા બાંધકામના મકાનની આકારણી કરવા માટે રૂ. ૭,૫૦૦ની લાંચ લેતા સ્થળ પરથી દબોચી લેવાયા.
- બાતમીના આધારે કાર્યવાહી: આકારણી માટે રૂ. ૭,૦૦૦ થી ૧૪,૦૦૦ ની લાંચ મંગાતી હોવાની ગુપ્ત માહિતી મળતા એ.સી.બી.એ ગોઠવ્યું હતું છટકું.
- તમામ રકમ રીકવર: આરોપીઓ પાસેથી લાંચના સ્વીકારેલા રૂ. ૭,૫૦૦ પૂરેપૂરા કબ્જે કરવામાં આવ્યા.
સુરત:
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા હલધરૂ ગ્રામ પંચાયતમાં ચાલતા ગેરકાયદે વ્યવહારો અને ભ્રષ્ટાચાર સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એ.સી.બી.) દ્વારા લાલઆંક આંખ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની કચેરીમાં નવા બાંધકામ પામેલા મકાનોની આકારણી કરી આપવાના નામે લાંચ માંગતા તલાટી કમ મંત્રી અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને એ.સી.બી.ની ટીમે ડિકોય છટકું ગોઠવીને રૂ. ૭,૫૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે.
લાંચની માંગણી અંગે મળી હતી ગુપ્ત બાતમી
એ.સી.બી. સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનને આધારભૂત માહિતી મળી હતી કે હલધરૂ ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ નવા બાંધકામ કરવામાં આવેલા રહેણાંક મકાનોની આકારણી કરી આપવાના અવેજ પેટે નાગરિકો પાસેથી રૂ. ૭,૦૦૦ થી લઈને રૂ. ૧૪,૦૦૦ સુધીની લાંચની માંગણી કરે છે. આ ગંભીર ફરિયાદો અને માહિતીની ખરાઈ કરવા માટે એ.સી.બી.ની ટીમે આયોજનબદ્ધ રીતે ડિકોય છટકાનું આયોજન કર્યું હતું.
પંચાયત કચેરીમાં ગોઠવાયું ડિકોય છટકું, આરોપીઓ પકડાયા
ડિકોય છટકા દરમિયાન સહકાર આપનાર વ્યક્તિ સાથે હલધરૂ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભરતભાઇ બચુભાઇ વાળા (ઉંમર વર્ષ ૩૫) અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર નિખીલભાઇ સંજયભાઇ ભાલીયા (ઉંમર વર્ષ ૨૨) નાઓએ હેતુલક્ષી વાતચીત કરી હતી. તેઓએ નવા રહેણાંક મકાનની આકારણી કરવા માટે રૂ. ૭,૫૦૦ની લાંચની સ્પષ્ટ માંગણી કરી હતી. સહકાર આપનાર વ્યક્તિ પાસેથી આ રકમ સ્વીકારતાની સાથે જ એ.સી.બી.ની ટીમે બંને આરોપીઓને સ્થળ પર જ દબોચી લીધા હતા અને લાંચની રૂ. ૭,૫૦૦ ની પૂરેપૂરી રકમ રીકવર કરી લીધી હતી.
એ.સી.બી.ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
આ સફળ ડિકોય ટ્રેપ સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ તેમજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના નાયબ નિયામક અને વરિષ્ઠ પોલીસ અધિકારી બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: મહેશભાઈ જળું
