મુખ્ય હાઇલાઇટ્સ:
- ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે મધરાતે દરોડો પાડી ખંભાળા ગામની સીમમાં ચાલતું દારૂનું નેટવર્ક બસ્ટ કર્યું.
- ૩,૦૦૦ થી વધુ વિદેશી દારૂની બોટલો, ૩ વાહનો, સીસીટીવી ડીવીઆર અને રોકડ મળી કુલ ₹૧૯.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
- સ્થળ પરથી દારૂનું કટિંગ કરતા રવિરાજ ખાચર અને રઘુવીર ખાચર નામના બે આરોપીઓ રંગેહાથ ઝડપાયા.
- મુખ્ય સૂત્રધાર મૌલિક તેરૈયા અને ભાગીદાર લાલા ગરાણીયા સહિત ત્રણ શખ્સો ફરાર, પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન.
પાણીના સંપને બનાવ્યો હતો દારૂનો સુરક્ષિત અડ્ડો
અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં સીમ વિસ્તારની એકલતાનો ગેરલાભ ઉઠાવીને બૂટલેગરો દ્વારા દારૂનું મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિક પોલીસ અને તંત્રની નજરથી બચવા માટે આરોપીઓએ ખંભાળા ગામની સીમમાં આવેલા પાણીના સંપ જેવા અવાવરૂ અને સરકારી બાંધકામ ધરાવતી જગ્યા પસંદ કરી હતી. આ સંપની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારીને તેનું કટિંગ અને વેચાણ કરવામાં આવતું હતું.
એસએમસીની ટીમે મધરાતે પાડ્યો સફળ દરોડો
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે. એચ. સિસોદિયા અને તેમની ટીમને આ ગેરકાયદેસર અડ્ડા અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે એસએમસીની ટીમે રાત્રિના અંધારામાં ખંભાળા ગામની વીડી વિસ્તારમાં આવેલા પાણીના સંપ પર અચાનક ત્રાટકીને દરોડો પાડ્યો હતો. આ મધરાતના ઓપરેશન દરમિયાન દારૂનું કટિંગ કરી રહેલા રવિરાજ ખાચર અને રઘુવીર ખાચર નામના બે શખ્સોને પોલીસે સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી લીધા હતા.
₹૧૯.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે, મુખ્ય સૂત્રધાર ફરાર
પોલીસે સ્થળ પરથી ૩,૦૦૦ થી વધુ નાની-મોટી વિદેશી દારૂની બોટલો, ૩ વાહનો, સીસીટીવી ડીવીઆર અને રોકડ રકમ સહિત કુલ ₹૧૯.૫૦ લાખથી વધુનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય સૂત્રધાર મૌલિક તેરૈયા તથા ભાગીદાર લાલા ગરાણીયા સહિત ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા સઘન શોધોખોળ હાથ ધરી છે.
અહેવાલ: ભાવેશ વાઘેલા, અમરેલી
