મુખ્ય હાઇલાઇટ્સ:
- બગોદરા-તારાપુર હાઈવે પર અરણેજ બ્રિજ નજીક ટેન્કર પલટી ગયાનું કાવતરું રચી ₹૪૪.૧૭ લાખના તેલની ચોરી.
- જામનગરના વેપારીના ૨૮,૪૨૦ કિલો પામોલીન તેલનો જથ્થો અકસ્માત પહેલાં જ રસ્તામાં ઉતારી લેવાયો.
- અકસ્માતના સ્થળે તેલનું એક પણ ટીપું ન ઢોળાયેલું જોઈને અને ટેન્કરનું વજન કરાવતાં ફ્રૉડ ખુલ્લો પડ્યો.
- કચ્છના અંજાર ખાતે રહેતા ટેન્કર ડ્રાઈવર કાનજી ભડીયા સામે કોઠ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો દાખલ.
મુંબઈ મોકલવાના પામોલીન તેલના ટેન્કરનો અકસ્માત બતાવાયો
જામનગરના લીમડા લેન વિસ્તારમાં રહેતા અને જે.બી. ઓઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે સંકળાયેલા વેપારી જયેશભાઈ નરસીદાસ મહલાણીએ અંજાર (કચ્છ) ખાતેથી પામોલીન તેલનો જથ્થો ખરીદીને પનવેલ (મુંબઈ) મોકલવા માટે ટેન્કર ભાડે રાખ્યું હતું. અંજારનો ટેન્કર ડ્રાઈવર કાનજી દેવજી ભડીયા ૨૮,૪૨૦ કિલો પામોલીન તેલ ભરીને મુંબઈ જવા નીકળ્યો હતો. દરમિયાન, બગોદરા-તારાપુર હાઈવે પર અરણેજ બ્રિજ નજીક આ તેલનું ટેન્કર પલટી મારી ગયું હોવાની જાણ વેપારીને કરવામાં આવી હતી.
સ્થળ પર તેલનું એક ટીપું પણ ન મળતાં શંકા ગઈ
અકસ્માતની જાણ થતાં જ ફરિયાદી વેપારી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા રોડ પર કે આસપાસના ખેતરોમાં ક્યાંય પણ તેલ ઢોળાયેલું જોવા મળ્યું નહોતું. આટલો મોટો પામોલીન તેલનો જથ્થો ભરેલું ટેન્કર પલટી ગયું હોવા છતાં એક પણ ટીપું તેલ ન ઢોળાયેલું જોઈને વેપારીને શંકા ગઈ હતી. ત્યારબાદ ટેન્કરને વજન કાંટા પર લઈ જઈને વજન કરાવતાં તેમાંથી ૨૮,૪૨૦ કિલો પામોલીન તેલ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.
ડ્રાઈવર સામે કોઠ પોલીસ મથકે ગુનો દાખલ, પોલીસ તપાસ શરૂ
તપાસમાં સપાટી પર આવ્યું કે આરોપી ડ્રાઈવર કાનજી ભડીયાએ ₹૪૪.૧૭ લાખથી વધુ કિંમતનું પામોલીન તેલ અકસ્માત પહેલાં જ રસ્તામાં કોઈ અન્ય સ્થળે ઉતારી લીધું હતું. ત્યારબાદ સમગ્ર ચોરી અને વિશ્વાસઘાત પર પડદો પાડવા માટે ટેન્કર પલટી મારી ગયાનું બોગસ નાટક રચ્યું હતું. બનાવ બાદ આરોપી ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર: રાજેશ પરીખ
