મુખ્ય હાઇલાઇટ્સ:
- સાણંદ તાલુકાના અણદેજ ગામેથી એલોપેથિક ડિગ્રી વગર બોગસ ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો.
- અમદાવાદ એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડી જપ્ત કર્યો દવાઓનો જથ્થો.
- માત્ર ધોરણ ૧૨ પાસ આરોપી મોહમદઇકરામ સાચોરા છેલ્લા ૨૦ દિવસથી ચલાવતો હતો ક્લિનિક.
- ૪૪ જાતની એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને તબીબી સાધનો મળી રૂ. ૧૨,૦૨૨ નો મુદ્દામાલ સીઝ.
અણદેજ ગામે બાતમીના આધારે એસઓજી અને આરોગ્ય ટીમનો દરોડો
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા અણદેજ ગામે યુસુફભાઈ વાઘેલાની દુકાનમાં કોઈપણ જાતની માન્ય એલોપેથિક ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને સ્થાનિક આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
માત્ર ધોરણ ૧૨ પાસ શખ્સ ક્લિનિક ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતો હતો
તપાસ દરમિયાન ઝડપાયેલા શખ્સની ઓળખ મોહમદઇકરામ ઝાકીરહુસેન સાચોરા (ઉંમર વર્ષ ૨૯, રહે. જુહાપુરા, અમદાવાદ; મૂળ રહે. લીંબડીયા, તાલુકો પોસીના, જિલ્લો સાબરકાંઠા) તરીકે થઈ છે. મોડાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. રાજકુમાર રામવિલાસ રમણ અને તેમની ટીમે હાથ ધરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી માત્ર ધોરણ ૧૨ પાસ છે અને તેની પાસે તબીબી પ્રેક્ટિસ માટેની કોઈ જ માન્ય ડિગ્રી કે રજિસ્ટ્રેશન નહોતું. આમ છતાં તે છેલ્લા ૨૦ દિવસથી સાંજના સમયે ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરતો હતો.
દવાઓનો જથ્થો જપ્ત કરી સાણંદ પોલીસ મથકે ગુનો નોંધાયો
દરોડા દરમિયાન ક્લિનિકમાંથી વિવિધ ૪૪ પ્રકારની એલોપેથિક દવાનો જથ્થો, ઇન્જેક્શનો, સિરપ તથા તબીબી સાધનો મળીને કુલ રૂ. ૧૨,૦૨૨ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખિલવાડ કરનાર આ બોગસ ડોક્ટર સામે ‘ધી ગુજરાત રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશ્નર્સ એક્ટ ૧૯૬૩’ ની કલમ ૩૦ હેઠળ સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
