નવરાત્રી એટલે શક્તિની આરાધના, સ્ત્રીના સન્માનનો સંકલ્પ નવરાત્રી એટલે નવ રાત્રિઓ સુધી ચાલતો ભક્તિ, શ્રદ્ધા, આસ્થા અને શક્તિનો પવિત્ર ઉત્સવ. આ નવ દિવસોમાં આપણે મા દુર્ગાનાં નવ સ્વરૂપોની પૂજા કરીએ છીએ, ગરબાના તાલે ઝૂમીએ છીએ અને માતાજી પાસે સુખ, શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરીએ છીએ. પરંતુ ક્યારેય આપણે શાંતિથી બેસીને વિચાર્યું છે કે જે સ્ત્રીશક્તિની આપણે નવ દિવસ સુધી પૂજા કરીએ છીએ, એ જ સ્ત્રીને શું આપણે આપણા રોજિંદા જીવનમાં એટલું જ સન્માન આપીએ છીએ?
જે હાથમાં આરતીની થાળી લઈને આપણે માતાજીની આરાધના કરીએ છીએ, એ જ હાથ કોઈ સ્ત્રીનું અપમાન થતું હોય ત્યારે તેને રોકવા માટે આગળ વધે છે ખરો? જે હોઠથી આપણે ‘જય માતાજી’ બોલીએ છીએ, એ જ હોઠ કોઈ દીકરીને તેના સપનાં પૂરાં કરવા માટે પ્રોત્સાહિત કરે છે ખરા? અને જે હૃદયમાં માતાજી પ્રત્યે આસ્થા છે, એ જ હૃદયમાં ઘરની સ્ત્રી, દીકરી, બહેન, પત્ની અને માતા માટે પ્રેમ તથા સન્માન છે ખરું?
આ પ્રશ્નો માત્ર નવરાત્રીના નથી, પરંતુ આપણા સમાજની માનસિકતા સાથે જોડાયેલા છે.
નવરાત્રી માત્ર માતાજીની આરાધના કરવાનો ઉત્સવ નથી, પરંતુ સ્ત્રીની શક્તિ, સ્વતંત્રતા, આત્મસન્માન અને અસ્તિત્વને ઓળખવાનો અવસર પણ છે.ઘરમાં રહેતી સ્ત્રીના ચહેરા પર સ્મિત લાવતાં શીખીએ;
કારણ કે સાચી ભક્તિ માત્ર માથું નમાવવામાં નથી,
પરંતુ સ્ત્રીના સન્માનમાં છે.”
નવરાત્રીના નવ દિવસોમાં મા દુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. દરેક સ્વરૂપ આપણને જીવનનો એક વિશેષ સંદેશ આપે છે. આ સ્વરૂપો માત્ર ધાર્મિક માન્યતાનું પ્રતીક નથી, પરંતુ સ્ત્રીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં સમજવાની તક પણ આપે છે.
મા શૈલપુત્રી આપણને મજબૂત પાયો અને સ્થિરતાનો સંદેશ આપે છે. મા બ્રહ્મચારિણી તપ, ધીરજ અને સંકલ્પનું પ્રતીક છે. મા ચંદ્રઘંટા સાહસ અને નિર્ભયતાની પ્રેરણા આપે છે. મા કુષ્માંડા સર્જનશક્તિનું પ્રતીક છે. મા સ્કંદમાતા માતૃત્વ અને કરુણાનું સ્વરૂપ છે. મા કાત્યાયની અન્યાય સામે લડવાની હિંમત આપે છે. મા કાલરાત્રિ ભયનો સામનો કરવાની શક્તિ શીખવે છે. મા મહાગૌરી પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે, જ્યારે મા સિદ્ધિદાત્રી પૂર્ણતા અને સિદ્ધિની પ્રેરણા આપે છે.
હવે વિચારીએ કે આ ગુણો સ્ત્રીના જીવનમાં કેટલા મહત્વના છે!
એક સ્ત્રી ક્યારેક માતા બનીને પરિવારને સંભાળે છે, ક્યારેક દીકરી બનીને માતા-પિતાનાં સપનાં પૂરાં કરે છે, ક્યારેક બહેન બનીને ભાઈની હિંમત બને છે, તો ક્યારેક પત્ની બનીને જીવનસાથીની મુશ્કેલીઓમાં તેની સાથે ઊભી રહે છે. ઘણી વાર તે પોતાના વ્યવસાયમાં નેતૃત્વ કરે છે, તો ક્યારેક સમાજમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે.
તેની અંદર મમતા પણ છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની શક્તિ પણ છે. તેની આંખોમાં સપનાં છે અને એ સપનાંને સાકાર કરવાની ક્ષમતા પણ છે.
તો પછી સ્ત્રીને નબળી ગણવાનો અધિકાર આપણને કોણે આપ્યો?
જે સ્ત્રીને આપણે શક્તિનું સ્વરૂપ માનીએ છીએ, તેને પોતાની શક્તિ સાબિત કરવા માટે વારંવાર મજબૂર ન કરીએ, એ જ નવરાત્રીની સાચી સમજ છે
