મુખ્ય હાઇલાઇટ્સ:
- રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૪ના કાયદા અંતર્ગત અમરેલીની આસ્થા હોસ્પિટલને અંગદાન અને પ્રત્યાર્પણ માટે આપી અધિકૃત મંજૂરી.
- ઓર્ગન ડોનેશન અંતર્ગત અંગદાતા (ડોનર) પાસેથી હોસ્પિટલ દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.
- મુરઝાતી જિંદગીઓને નવજીવન આપવા માટે તબીબી વિજ્ઞાન વધુ સક્ષમ બનશે: ફિઝિશિયન ડૉ. અશોક પરમાર.
- વિપુલ ભટ્ટીને ઓર્ગન ડોનેશન અવેરનેસની જવાબદારી સોંપાઈ; સામાજિક સંસ્થાઓ સાથે મળી ફેલાવાશે લોકજાગૃતિ.
અમરેલીના સ્વાસ્થ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સફળતા
અમરેલી જિલ્લાના સ્વાસ્થ્ય ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ અને અત્યંત રાહતજનક જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની ઓથોરાઈઝ્ડ કમિટી દ્વારા ૧૯૯૪ના માનવ અંગ પ્રત્યાર્પણ કાયદા અંતર્ગત અમરેલીની સુવિખ્યાત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘આસ્થા હોસ્પિટલ’ને માનવ શરીરના અંગોના પ્રત્યાર્પણ તથા અંગદાન પ્રક્રિયા માટે અધિકૃત માન્યતા ફાળવવામાં આવી છે. આ મંજૂરી મળવાથી હવે જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઓર્ગન ડોનેશનની જટિલ પ્રક્રિયા સ્થાનિક સ્તરે જ સુલભ અને શક્ય બનશે, જેનાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને અન્ય મોટા શહેરો તરફ દોડવું નહીં પડે.
નિશુલ્ક સેવા અને તબીબી નિષ્ણાતોનો અભિપ્રાય
આ સિદ્ધિ અંગે માહિતી આપતાં હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ઓર્ગન ડોનેશન અંતર્ગત ડોનર (અંગદાતા) પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં અને આ સેવા સંપૂર્ણપણે નિશુલ્ક રહેશે. આ અંગે જાણીતા ફિઝિશિયન ડૉ. અશોક પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની આ મંજૂરીથી મુરઝાતી માનવ જિંદગીઓને નવજીવન પૂરું પાડવામાં આધુનિક તબીબી વિજ્ઞાન વધુ સક્ષમ બનશે અને અનેક ગંભીર દર્દીઓને સમયસર નવું જીવન મળી શકશે.
ઓર્ગન ડોનેશન જાગૃતિ અભિયાન હાથ ધરાશે
અંગદાન જેવી પવિત્ર પ્રવૃત્તિને વ્યાપક બનાવવાના હેતુથી માનવસેવા અને રાષ્ટ્રધર્મને વરેલ ‘સંવેદન ગ્રુપ’ના પ્રમુખ તેમજ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત વિપુલ ભટ્ટીને “ઓર્ગન ડોનેશન અવેરનેસ” (અંગદાન જાગૃતિ) ની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં અમરેલી જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી અગ્રણીઓ, તબીબો અને સ્વયંસેવકોને સાથે રાખીને અંગદાન અંગે સમાજમાં વ્યાપક લોકજાગૃતિ ફેલાવવાનું સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો આ મહાદાન પ્રત્યે પ્રેરિત થઈ અન્ય લોકોને જીવનદાન આપી શકે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
