મુખ્ય હાઇલાઇટ્સ:
- ધોળકા નગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં દરોડા પાડી ૬૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું.
- નાના અને છૂટક વેપારીઓ પાસેથી કુલ રૂ. ૩૩,૧૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો.
- મોટા જથ્થાબંધ વેપારીઓ અને સપ્લાયરો સામે પગલાં ન ભરાતાં પાલિકાની કામગીરી સામે સ્થાનિકોના આકરા સવાલો.
- ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડની આકરી ચેતવણી: હવે પછી પકડાશે તો દસ ગણો દંડ વસૂલાશે.
ધોળકા માર્કેટમાં પાલિકાની ટીમનો કડક સપાટો: ૬૮ કિલો પ્લાસ્ટિક જપ્ત
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે ધોળકા નગરપાલિકા તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની વિશેષ ટીમો દ્વારા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ઝભલાની થેલીઓ વેચતા અને ઉપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરી અંદાજે ૬૮ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ નિયમોનો ભંગ કરનારા નાના વેપારીઓ પાસેથી રૂ. ૩૩,૧૦૦ ની માતબર રકમનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
મોટા હોલસેલરો સામે કાર્યવાહી કેમ નહીં? પાલિકાની કાર્યપદ્ધતિ સામે જનતાના સવાલો
નગરપાલિકાની આ દંડનીય કાર્યવાહી બાદ ધોળકાના સ્થાનિક નગરજનો અને નાના વેપારીઓમાંથી તંત્રની અર્ધકચરી કાર્યપદ્ધતિ સામે ભારે રોષ અને ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. લોકોનું કહેવું છે કે માલસામાન પેકિંગ કરીને આપતા નાના છૂટક વેપારીઓ સામે જ તંત્ર રોફ જમાવે છે અને તેમની પાસેથી દંડ વસૂલે છે, પરંતુ આ પ્લાસ્ટિકનો મોટો જથ્થો સપ્લાય કરતા જથ્થાબંધ (હોલસેલ) વેપારીઓ સામે કોઈ જ પગલાં ભરાતાં નથી. સપ્લાય ચેઈન મૂળમાંથી જ બંધ કરવામાં આવે તો નાના વેપારીઓ સુધી આ પ્લાસ્ટિક પહોંચે જ નહીં. લોકો પૂછી રહ્યા છે કે શું મોટા વેપારીઓને બેફામ વેચાણ કરવાનો કોઈ વિશેષ પરવાનો આપ્યો છે?
સપ્લાય ચેઇન મૂળમાંથી જ ડામવાની લોકમાગ; પાલિકાએ આપી દસ ગણા દંડની ચેતવણી
નગરજનો અને વેપારી મંડળોએ કડક સુરે માંગણી કરી છે કે નગરપાલિકા વારંવાર નાના વેપારીઓ પાછળ મહેનત કરવાને બદલે જે મુખ્ય જથ્થાબંધ સપ્લાયરો છે તેમના પર જ રાત્રિ કે દિવસ દરમિયાન દરોડા પાડીને જળમૂળમાંથી સપ્લાય બંધ કરાવે. બીજી તરફ આ સમગ્ર વિવાદ અંગે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડે પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા કાયદાનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. હવે પછી જો કોઈપણ વેપારી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા કે અન્ય સામગ્રી વેચતાં કે વાપરતાં પકડાશે તો નિયમ મુજબ તેમની પાસેથી દસ ગણો આકરો દંડ વસૂલવામાં આવશે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
