મુખ્ય હાઇલાઇટ્સ:
- ઓટીપી વગર મોબાઈલ હેક કરી ખાતામાંથી રૂ. ૯૯,૯૦૦ સેરવી લેનાર ઉત્તર પ્રદેશનો ભેજાબાજ ગિરફ્તાર.
- સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર મળેલી ફરિયાદના આધારે રાજુલા પોલીસે હાથ ધરી હતી આક્રમક તપાસ.
- ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં દરોડો પાડી આરોપી હેમંતકુમારને ઝડપી પાડી પૂરેપૂરી રકમ રિકવર કરાઈ.
- ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ ભોગ બનનાર ખેડૂતને શત-પ્રતિશત રકમ પરત સોંપાઈ.
મોબાઈલ હેક કરી ખેડૂતના ખાતામાંથી બારોબાર રકમ ઉપાડી લેવાઈ
ભાવનગર રેન્જ આઈજી આઈ. વી. અસારી તેમજ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો નાણાં પરત મેળવી શકે તે માટે ‘તેરા તુજકો અર્પણ’ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનમાં સાયબર ગુના અંગે એક ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે રહેતા અને ખેતીકામ કરતા દિનેશભાઈ નાનાભાઈ લોડુમરનો મોબાઈલ ફોન હેક કરીને, કોઈ પણ પ્રકારના ઓટીપી વગર તેમના બેંક એકાઉન્ટમાંથી બારોબાર રૂ. ૯૯,૯૦૦ ની રકમ ઉપાડી લેવામાં આવી હતી. ખેડૂતે આ અંગે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
રાજુલા પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી: ભેજાબાજ ઠગ ઝબેબે લેવાયો
ઘટનાની ગંભીરતા સમજી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર વી. એમ. કોલાદરાની આગેવાની હેઠળ તા. ૧૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ બીએનએસ કલમ ૩૧૮(૦૨) તથા આઈટી એક્ટની કલમ ૬૬(સી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ સર્વેલન્સ મારફતે તપાસ ચલાવતાં માલૂમ પડ્યું હતું કે આ ફ્રોડ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના સલીમપુર તાલુકાના પદલી જહલીપાર ગામે રહેતા ૩૦ વર્ષીય હેમંતકુમાર અનિલસિંહ દ્વારા આચરવામાં આવ્યું છે. ચોક્કસ લોકેશન મળતાં જ રાજુલા પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને દબોચી લીધો હતો.
સો ટકા રકમ રિકવર કરી મૂળ માલિકને સોંપાઈ
પોલીસ ટીમે આરોપી પાસેથી સાયબર ફ્રોડમાં સરકાવી લેવાયેલા રૂ. ૯૯,૯૦૦ ની તમામ રકમ રિકવર કરી લીધી હતી અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર ખેડૂત દિનેશભાઈ લોડુમરને બોલાવીને તેમના ગુમાવેલા રૂ. ૯૯,૯૦૦ ની ૧૦૦ ટકા રકમ પરત સોંપવામાં આવી હતી. પોતાની મહેનતની પૂરેપૂરી રકમ સુરક્ષિત પરત મળતાં ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો અને રાજુલા પોલીસ ટીમ તેમજ સાયબર સેલની ત્વરિત અને સરાહનીય કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી
