મુખ્ય હાઇલાઇટ્સ:
- કેનાલ ખાલીખમ: મોરબીની માળિયા મુખ્ય નહેર સુકીભઠ્ઠ બનતા સુલતાનપુર, વિશાલનગર અને ખીરઈ સહિતના આઠ ગામોમાં સિંચાઈનું સંકટ.
- ૨૫ વર્ષની એ જ કહાણી: વર્ષ ૨૦૦૧થી બનેલી કેનાલમાં વાવેતર સમયે પાણી ગાયબ અને ચોમાસું જામ્યા પછી પાણી છોડાતું હોવાનો આક્ષેપ.
- ઉપરવાસમાં પાણી ચોરી: સુરેન્દ્રનગર જિલ્લાના ઉપરના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે નહેરના દરવાજા ખોલી અને બકનળીઓ મૂકીને થતો પાણીનો બેફામ ઉપાડ.
- પોલીસ બંદોબસ્તની માંગ: ખેડૂતોની સરકાર સામે ઉગ્ર રજૂઆત—જેમ ખાનગી કંપનીઓને પ્રોજેક્ટ માટે સુરક્ષા અપાય છે, તેમ નર્મદા નહેર પર પણ પોલીસ પહેરો ગોઠવી ચોરી અટકાવો.
મોરબી:
ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા યોજનાના પાણી છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાના સરકારના દાવાઓની મોરબી જિલ્લામાં પોલ ખુલી ગઈ છે. મોરબી પંથકમાંથી પસાર થતી નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હોવાની વાતો વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન અલગ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત પૂર્વે છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી પાણી ન પહોંચતા જગતના તાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માળિયા (મિયાણા) તાલુકાના આશરે આઠ જેટલા ગામોમાંથી પસાર થતી આ મુખ્ય નહેર હાલમાં સાવ કોરી કટ પડી છે, જેને કારણે આગોતરું વાવેતર કરનારા અને તેની તૈયારીમાં રોકાયેલા ખેડૂતો ભારે વ્યાકુળતા અને મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
વર્ષ ૨૦૦૧થી નહેરનો મૂળ હેતુ જ મરી પરવાર્યો હોવાનો આક્ષેપ
આ ગંભીર જળ સંકટ અંગે વિશાળનગરના ઉપસરપંચ મુન્નાભાઈ ઉઘરેજાએ વિગતો આપતા તંત્રની બેદરકારી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “વર્ષ ૨૦૦૧થી આ કેનાલને કાર્યરત કરવામાં આવી છે. પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા ૨૫ વર્ષનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે ઉનાળાના અંતમાં અને ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોને કપાસ કે અન્ય પાકના આગોતરા વાવેતર માટે પાણીની ખરી અને સખત જરૂર હોય છે, ત્યારે આ કેનાલ હંમેશા ખાલીખમ હોય છે. વહીવટી તંત્ર દ્વારા જ્યારે ચોમાસું બરાબર જામી જાય અને સર્વત્ર સારો વરસાદ પડી જાય, ત્યારપછી કેનાલમાં પાણી છોડાય છે. વરસાદ પડ્યા પછી પાણી છોડવાનો કોઈ અર્થ રહેતો નથી, આનાથી નહેર બનાવવાનો મૂળ હેતુ જ માર્યો જાય છે.”
અધિકારીઓની ઢીલી નીતિ: ઉપરવાસમાં થતો પાણીનો બેફામ બગાડ
બીજી તરફ, સુલતાનપુરના અગ્રણી ભાવેશભાઈ વિડજાના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા નર્મદા ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે છે પરંતુ વહીવટી તંત્રના વચેટિયાઓ અને જવાબદાર અધિકારીઓની ઢીલી નીતિ અડચણરૂપ બને છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં કેટલાક વગદાર લોકો દ્વારા ગેરકાયદેસર રીતે નહેરના લોખંડી દરવાજા (ગેટ) ખોલીને તેમજ મોટી બકનળીઓ અને પંપ મૂકીને પાણીનો બેફામ ઉપાડ અને વેડફાટ કરવામાં આવે છે. આ કારણે થોડા દિવસો પહેલા માત્ર ગણતરીના કલાકો પૂરતું ખીરઈ ગામ સુધી પાણી પહોંચ્યું હતું, પરંતુ ઉપરવાસમાં થતી રોકટોક વગરની ચોરીને કારણે કેનાલ ફરીથી સુકાભઠ્ઠ થઈ ગઈ છે. નહેરના પાણી પર આધારિત સુલતાનપુર, વિશાલનગર, ખીરઈ સહિતના આઠ ગામોના ખેડૂતોની સ્થિતિ હાલ કફોડી બની છે.
મોંઘા બિયારણ સુકાઈ રહ્યા છે, ખેડૂતોએ માંગી પોલીસ સુરક્ષા
સ્થાનિક ખેડૂત અલ્પેશભાઈ વિડજાએ પોતાની આર્થિક વ્યથા ઠાલવતા જણાવ્યું કે, “ઘણા ખેડૂતોએ વરસાદ પહેલા કેનાલના ભરોસે રહીને દેવું કરીને મોંઘા બિયારણ અને ખાતર લાવીને આગોતરું વાવેતર કરી લીધું છે. હવે પાણી ન મળવાના કારણે આ મોંઘો પાક આંખ સામે સુકાઈ રહ્યો છે, જ્યારે અન્ય ખેડૂતો વળી ખેતરો ખેડીને માત્ર પાણીની આશાએ આકાશ અને નહેર તરફ નજર માંડીને બેઠા છે.”
આ પરિસ્થિતિથી કંટાળીને ખેડૂતોએ તંત્ર સામે એક અનોખો અને ધારદાર સવાલ ઉઠાવ્યો છે. ખેડૂતોએ માંગ કરી છે કે, જે રીતે ખાનગી કંપનીઓને પોતાના મોટા વીજપોલ કે પ્રોજેક્ટ ઊભા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચુસ્ત પોલીસ સુરક્ષા (પ્રોટેક્શન) પૂરું પાડવામાં આવે છે, તેવી જ રીતે સરકાર નર્મદા કેનાલ પર પણ હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવે. જો નહેર પર પોલીસનો કડક પહેરો ગોઠવવામાં આવે તો જ ઉપરવાસમાં થતી નહેરોની તોડફોડ અને પાણીની ચોરી અટકી શકે અને છેવાડાના ગરીબ ખેડૂતોને તેમના હકનું સિંચાઈનું પાણી મળી શકે તેમ છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
