મુખ્ય હાઇલાઇટ્સ:
- મોટું ચેકિંગ: પહેલી જૂનથી ૧૫મી જૂન, ૨૦૨૬ દરમિયાન ૧,૦૨૭ ખાદ્ય એકમોમાં હેલ્થ વિભાગની તપાસ.
- નમૂના ફેલ: લેબ ટેસ્ટિંગ માટે લેવાયેલા નમૂનાઓમાંથી ૨૭ નમૂના આરોગ્ય માટે હાનિકારક અને અપ્રમાણિત જાહેર.
- કાયદેસરની કાર્યવાહી: નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓને ૩૦૭ નોટિસો ફટકારાઈ, ૫.૧૩ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલાયો.
- મોટો જથ્થો નાશ: અંદાજે ૨,૦૮૯ કિલોગ્રામ અને ૬૬૫ લીટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના જથ્થાનો કરાયો નાશ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની લાલ આંખ
અમદાવાદ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટે કડક ઝુંબેશ શરૂ કરી છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં પહેલી જૂનથી ૧૫મી જૂન, ૨૦૨૬ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પખવાડિયા દરમિયાન કુલ ૧,૦૨૭ ખાદ્ય એકમોમાં તપાસ કરવામાં આવી છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
શહેરમાંથી જુદી-જુદી વાનગીઓના ૪૦૯ નમૂના લેવાયા
કોર્પોરેશનની અલગ-અલગ ટીમો દ્વારા સમગ્ર શહેરમાંથી જુદી-જુદી ખાદ્ય ચીજવસ્તુઓના કુલ ૪૦૯ કાયદેસરના નમૂનાઓ લેબ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાં ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને ઠંડાપીણા (જ્યુસ, લસ્સી, આઈસક્રીમ, શરબત, શિકંજી, બરફગોળા)ના ૧૬, શેરડીનો રસ, મેંગો મિલ્કશેક અને તરબૂચના રસના ૨૮, પનીર તથા દૂધ અને દૂધની બનાવટોના ૮૮, મીઠાઈના ૧૮, બેકરી પ્રોડક્ટ્સના ૧૧, નમકીનના ૪૫, બેસન, લોટ અને અનાજના ૧૮, ખાદ્ય તેલના ૧૨, મસાલાના ૫૪ તેમજ અન્ય ખાદ્યપદાર્થોના ૧૧૯ નમૂનાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવા માટે ૧૯૮ ટોટલ પોલર કમ્પાઉન્ડ ટેસ્ટ પણ હાથ ધરવામાં આવ્યા હતા.
૨૭ નમૂના અપ્રમાણિત અને અખાદ્ય જાહેર, કોર્ટ કેસની તૈયારી
ચાલુ માસ દરમિયાન લેબોરેટરીમાંથી પ્રાપ્ત થયેલા પરીક્ષણ પરિણામોમાં કુલ ૨૭ નમૂનાઓ આરોગ્ય માટે હાનિકારક અને અપ્રમાણિત જાહેર થયા છે. જેમાંથી ૨૬ નમૂનાઓ અપ્રમાણિત જાહેર થતાં સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે દક્ષિણ ઝોનમાં મહાલક્ષ્મી તળાવ પાસે વટવા વિસ્તારમાં આવેલા ‘વીર આઝાદ કોલ્ડ્રીંક્સ ફ્રેશ જયુસ’માંથી લેવામાં આવેલો કાલાખટ્ટા શરબત (આઈસ ગોળા)નો ૧ નમૂનો માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક એટલે કે અનસેફ જાહેર થતાં, સંબંધિત વેપારી સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.
ભારે દંડની વસૂલાત અને ત્રણ એકમો સીલ
ચેકિંગ દરમિયાન તંત્ર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા એકમોને કુલ ૩૦૭ નોટિસો ઈસ્યૂ કરવામાં આવી હતી. આ સાથે જ ૫,૧૩,૫૦૦ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. હેલ્થ વિભાગે તપાસ દરમિયાન કડક પગલાં લઈને શહેરના ત્રણ મોટા એકમોને સીલ મારી દીધા છે, જેની વિગતો નીચે મુજબ છે:
૧. મુન્ના ચાઈનીઝ એન્ડ મુગલાઈ (સોનલ સિનેમા રોડ, મકતમપુરા): ત્રીજી જૂન, ૨૦૨૬ના રોજ અત્યંત ગંદકી અને શેડ્યૂલ-૪ના નિયમોનું પાલન ન કરવા બદલ સીલ કરાયું.
૨. કોફી સ્ટેન્ડ (વિજય ચાર રસ્તા, નવરંગપુરા): છઠ્ઠી જૂન, ૨૦૨૬ના રોજ રસોડામાં જીવાતો મળી આવતા અને નિયમોના ભંગ બદલ સીલ કરાયું.
૩. શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ (કઠવાડા-નિકોલ વિસ્તાર): ૧૦મી જૂન, ૨૦૨૬ના રોજ ફૂડ સેફટી લાયસન્સ વિના કામગીરી કરવા અને અસ્વચ્છતા બદલ સીલ કરવામાં આવ્યું.
આગામી દિવસોમાં વધુ કડક તપાસની ચેતવણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ ચિમકી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં પણ શહેરના તમામ ખાદ્ય ધંધાકીય એકમોમાં હાઈજીન, લાયસન્સ અને રજિસ્ટ્રેશન બાબતે સઘન ચેકિંગ ચાલુ જ રહેશે. ચેકિંગ દરમિયાન લાયસન્સ વિના ધંધો કરતા અથવા ફૂડ સેફટીના નિયમોનું પાલન ન કરતા એકમો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ કડક કાયદેસરની અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
