મુખ્ય હાઇલાઇટ્સ:
- રાણપર ગામના સીમ વિસ્તારમાં થયેલી લસણની ગુણોની ચોરીનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલાયો.
- કલેક્ટર અને એસપી સંજય ખરાતના વિઝનથી શરૂ કરાયેલા “ઈગલ આઈ” પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા બન્યા મદદરૂપ.
- રાજકોટના સરધાર ખાતેથી મુનાભાઈ રમેશભાઈ ચુડાસમા નામના આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે દબોચ્યો.
- ૪૫,૯૦૦ ની કિંમતનું ૧૧ બોરી લસણ અને ૧,૫૦,૦૦૦ ની કિંમતની રીક્ષા મળી કુલ ૧,૯૫,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત.
ચોરીના ગુનાઓ ઉકેલવા પોલીસ તંત્રની કડક સૂચના
ભાવનગર રેન્જ આઈજીપી આર. વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ચોરીના અણઉકેલાયેલા ગુનાઓ અટકાવવા અને આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરવા સખત સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ લાઠી વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતાની સૂચના મુજબ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. પરમારે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
“ઈગલ આઈ” કેમેરા અને માનવ સંસાધનની મદદથી આરોપી ટ્રેક થયો
બાબરા તાલુકાના રાણપર ગામના સીમ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાની તપાસ દરમિયાન, પોલીસે જિલ્લા પોલીસ અધિક્ષકના વિઝન હેઠળ કાર્યરત “ઈગલ આઈ” પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ વાહનની મુવમેન્ટ ટ્રેક કરવામાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ (બાતમીદારો) ની મદદથી ચોરીમાં વપરાયેલ વાહનને ઓળખી કાઢીને આરોપીનું પગેરું રાજકોટ જિલ્લાના સરધાર સુધી મેળવવામાં આવ્યું હતું.
સરધારથી આરોપીની ધરપકડ, મુદ્દામાલ જપ્ત
બાબરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સરધાર ખાતેથી મુનાભાઈ રમેશભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ ૩૨, ધંધો શાકભાજી, રહે. સરધાર, મૂળ રહે. નડાળા, તાલુકો બાબરા) ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રૂ. ૪૫,૯૦૦ ની કિંમતનું ૧૧ બોરી લસણ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ. ૧,૫૦,૦૦૦ ની કિંમતની લીલા રંગની બજાજ મેક્સીમા રીક્ષા મળી કુલ રૂ. ૧,૯૫,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઓપરેશન પાર પાડનાર પોલીસ ટીમ
આ સફળ કામગીરી બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. આર. પરમાર, પીએસઆઈ એ. એન. ગાગણા, એએસઆઈ બી. એલ. પરમાર, હેડ કોન્સ્ટેબલ જે. એમ. ડાંગર, હેડ કોન્સ્ટેબલ વી. આર. ડાભી, પોલીસ કોન્સ્ટેબલ આર. એમ. ડાગર તથા પોલીસ કોન્સ્ટેબલ એન. જી. બામભણીયા દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી હતી.
અહેવાલ: ભાવેશ વાઘેલા અમરેલી
